Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહિનાના ત્રણ દિવસ માટે અસ્પૃશ્ય ગણો અને ચોથા દિવસે નહીં એવું કેમ છે?

મહિનાના ત્રણ દિવસ માટે અસ્પૃશ્ય ગણો અને ચોથા દિવસે નહીં એવું કેમ છે?

Published : 08 April, 2026 07:10 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સબરીમાલા મંદિરમાં માસિક ધર્મના એજ-ગ્રુપની મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારતા કેસમાં મહિલા જસ્ટિસ બી. નાગરત્નાનો સવાલ

મહિલા જસ્ટિસ બી. નાગરત્ના

મહિલા જસ્ટિસ બી. નાગરત્ના


સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાનો આદેશ અમલમાં રહેવો જોઈએ કે નહીં એ મુદ્દે સુપ્રીમ કોર્ટની ૯ ન્યાયાધીશોની બેન્ચે ગઈ કાલે પહેલા દિવસે પાંચ કલાકની સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકાર વતી સૉલિસિટર તુષાર મહેતાએ શરૂઆતની દલીલમાં માસિક ધર્મની ઉંમરની મહિલાઓને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવો એ કોઈ જાતિગત ભેદભાવ નથી એવું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘સબરીમાલા મંદિરમાં રજસ્વલા ધર્મમાં બેસતા એજ-ગ્રુપની મહિલાઓને પ્રવેશ આપવાનો સુપ્રીમ કોર્ટનો ૨૦૧૮નો નિર્ણય ખોટો હતો. આ મામલો સંપૂર્ણપણે ધાર્મિક માન્યતાઓનો અને દરેક સંપ્રદાયના પોતાના આગવા અધિકારનો ઉપયોગ કરવાનો અધિકારનો મામલો છે. ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશના મામલે કોર્ટ દખલ કરી શકતી નથી. જો કોઈ પ્રથા અવૈજ્ઞાનિક લાગે છે તો એનો ઉકેલ સંસદ અથવા વિધાનસભા પાસે છે, કોર્ટ પાસે નહીં.’

સરકારે જણાવ્યું હતું કે ‘દરેક ધાર્મિક જૂથની પ્રથાઓનું સન્માન કરવું જોઈએ અને દરેક સંપ્રદાયની ધા‌ર્મિક પ્રથાની સંકીર્ણ વ્યાખ્યા ગૌરવ અથવા વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સરખાવી શકાય નહીં. ઉદાહરણ તરીકે જો કોઈ મંદિર અથવા ગુરુદ્વારામાં માથું ઢાંકવું જરૂરી હોય તો એને અધિકારોનું ઉલ્લંઘન ગણી શકાય નહીં. આ કેસમાં માસિકધર્મના એજ-ગ્રુપની મહિલાઓને મંદિરમાં પ્રવેશ પરના પ્રતિબંધને છૂતઅછૂત ન માની શકાય.’



આ દલીલના જવાબમાં મહિલા જસ્ટિસ બી. નાગરત્નાએ જણાવ્યું હતું કે જો કોઈ સામાજિક બૂરાઈને ધાર્મિક કહેવામાં આવતી હોય તો કોર્ટ એને સામાજિક બૂરાઈ અને ફરજિયાત ધાર્મિક પ્રથા વચ્ચે તફાવત કરી શકે છે.


આની સામે કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે ‘કોર્ટે ધાર્મિક પ્રથા તર્કસંગત, આધુનિક કે વૈજ્ઞાનિક છે કે નહીં એ નક્કી કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આનાથી ન્યાયતંત્ર ધર્મ પર એના વિચારો લાદશે. જો કોઈ પ્રથા સીધી રીતે જાહેર વ્યવસ્થા, નૈતિકતા અથવા આરોગ્ય (જેમ કે માનવ-બલિદાન)ની વિરુદ્ધ હોય તો કોર્ટ તાત્કાલિક એને રદ કરી શકે છે. બંધારણ ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કરે છે, કારણ કે ધર્મમાં ઘણી માન્યતાઓ અને પ્રથાઓ છે જે સામાન્ય સમજ અથવા બહુમતીના અભિપ્રાયનો વિરોધ કરે છે.’

સુપ્રીમ કોર્ટમાં ૫૦+ રિવ્યુ પિટિશન


ધાર્મિક સ્થળોમાં મહિલાઓ સાથેના ભેદભાવ અંગેના કેટલાક સવાલો છેલ્લાં ૨૬ વર્ષથી દેશભરની વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટ ગઈ કાલથી બાવીસ એપ્રિલ સુધી ૫૦થી વધુ અરજીઓ પર અંતિમ સુનાવણી કરી રહી છે.

સમર્થકો અને વિરોધકોની દલીલો

રિવ્યુ પિટિશન કરનારા અરજદારો અને તેમના સમર્થકો ૯ એપ્રિલ સુધી સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી શકશે, જ્યારે એનો વિરોધ કરનારાઓ ૧૪થી ૧૬ એપ્રિલ સુધી પોતાની દલીલો રજૂ કરી શકશે.

અનેક મુદ્દે નિર્ણય લેશે

હકીકતમાં સુનાવણીમાં સબરીમાલા ઉપરાંત સુપ્રીમ કોર્ટ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ વિશે, દાઉદી વહોરા સમુદાયમાં મહિલાઓના ખતના વિશે અને અન્ય ધર્મોમાં લગ્ન કરતી પારસી મહિલાઓને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો અધિકાર હોવો જોઈએ કે કેમ એ મુદ્દાઓ પર પણ નિર્ણય લેશે.

મહિલાઓ ત્રણ દિવસ માટે અછૂત, ચોથા દિવસે નહીં?: જસ્ટિસ નાગરત્ના

છૂતઅછૂત રાખવી એ સંવિધાનના આર્ટિકલ ૧૭નું ઉલ્લંઘન મનાય છે. આ બાબતે અલગથી ટિપ્પણી કરતાં જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું, ‘હું એક મહિલા તરીકે કહું તો માસિકચક્રના દિવસો દરમ્યાન દર મહિને મહિલાને ત્રણ દિવસ માટે અછૂત ન બનાવી શકાય. કેમ કે ચોથા દિવસે એ અછૂતપણું ખતમ થઈ જાય છે. આ કડવી વાસ્તવિકતા છે. શું આર્ટિકલ ૧૭ ત્રણ દિવસ માટે અપ્લાય નથી થતો અને પાછી ચોથા દિવસે બધી અસ્પૃશ્યતા મટી જાય છે?’

 

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 07:10 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK