સમાઇરા ૧૫ વર્ષની ઉંમરે ટેન્થ અને ૧૭ વર્ષે ટ્વેલ્થ સાયન્સની પરીક્ષા આપીને ન્યુ દિલ્હીની વિનોદ યાદવ એવિયેશન ઍકૅડેમીમાં જોડાઈ
સમાઇરા હુલ્લુર
કર્ણાટકના વિજયપુરાની વતની ૧૮ વર્ષની સમાઇરા હુલ્લુરે ભારતમાં સૌથી નાની ઉંમરે કમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવીને ઇતિહાસ રચ્યો છે. તે બિઝનેસમૅન અમીન હુલ્લુરની દીકરી છે. સમાઇરાએ વિનોદ યાદવ એવિયેશન ઍકૅડેમી અને મહારાષ્ટ્રના બારામતીમાં આવેલી ઍકૅડેમી ઑફ કાર્વર એવિયેશનમાં ટ્રેઇનિંગ લીધી હતી. કુલ દોઢ વર્ષની ટ્રેઇનિંગમાં તેણે ૬ પરીક્ષા અને ૨૦૦ કલાક વિમાન ઉડાડવાનો અનુભવ લીધા પછી પાઇલટનું લાઇસન્સ મેળવ્યું છે. વિવિધ પ્લેન્સ અને નાઇટ-ફ્લાઇંગ પણ સફળતાપૂર્વક કરીને સમાઇરા ૧૮ વર્ષની વયે ભારતની યંગેસ્ટ પાઇલટ બની છે.
નાનપણમાં હેલિકૉપ્ટરની જૉય રાઇડ પછી સમાઇરાએ આકાશમાં પ્લેન ઉડાડવાને કરીઅર બનાવવાનું નક્કી કર્યું હતું. એ વિશે સમાઇરાના ઇન્ટીરિયર ડિઝાઇનર પિતા અમીન હુલ્લુરનું કહેવું છે કે ‘થોડાં વર્ષ પહેલાં બીજાપુર ઉત્સવમાં વિજયપુરા જિલ્લા ઍડ્મિનિસ્ટ્રેશને હેલિકૉપ્ટર રાઇડનું આયોજન કર્યું હતું. અમે એની ટિકિટ ખરીદી હતી અને પાઇલટની બાજુમાં જ બેસવા મળ્યું હતું. પાઇલટનો ડ્રેસ અને તેની હેલિકૉપ્ટર ઉડાડવાની કળા જોઈને સમાઇરા અંજાઈ ગઈ હતી. તેણે પાઇલટને ખૂબ સવાલ પૂછ્યા અને પાઇલટે ખૂબ ધીરજથી એના જવાબ આપ્યા. બસ, એ દિવસે તેણે નક્કી કર્યું હતું કે તે પાઇલટ બનશે. અમે તેને સપોર્ટ કરવા પૈસા બચાવવાનું શરૂ કર્યું અને સારી એવિયેશન ઍકૅડેમી જોવાનું શરૂ કર્યું હતું.’
ADVERTISEMENT
સમાઇરા ૧૫ વર્ષની ઉંમરે ટેન્થ અને ૧૭ વર્ષે ટ્વેલ્થ સાયન્સની પરીક્ષા આપીને ન્યુ દિલ્હીની વિનોદ યાદવ એવિયેશન ઍકૅડેમીમાં જોડાઈ. ત્યાં તે ૧૮ વર્ષની થાય એ પહેલાં જ તેણે સિવિલ એવિયેશનની છમાંથી પાંચ એક્ઝામ આપી અને એ દરેક પરીક્ષા પહેલા જ પ્રયાસમાં પાસ કરી દીધી. તે ૧૮ વર્ષની થઈ ન હોવાથી રેડિયો ટ્રાન્સમિશન ટેક્નૉલૉજીનું પેપર આપવા માટે એલિજિબલ નહોતી. ૧૮ વર્ષની થઈ એ પછી તેણે છેલ્લી એક્ઝામ આપી હતી.