અનેક લોકો ઘાયલ, મરણાંક કદાચ વધી શકે
ધક્કામુક્કી
આંધ્ર પ્રદેશના વિશ્વવિખ્યાત તિરુપતિ મંદિરમાં ગઈ કાલે વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કેન્દ્ર પાસે ધક્કામુક્કી થવાથી એક મહિલા સહિત સાત ભક્તોએ જીવ ગુમાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. વૈકુંઠ દ્વાર દર્શન કરવા માટેનું ટોકન લેવા માટે વિવિધ ટિકિટ કેન્દ્ર પર સવારથી હજારો ભક્તો ઊભા હતા. બૈરાગી પટ્ટીડા પાર્કમાં ભક્તોને નવી લાઇન લગાડવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ ધસારો કરવાથી ધક્કામુક્કી થઈ હતી જેમાં અનેક લોકો પગની નીચે કચડાઈ ગયા હતા. સાત લોકોનાં મૃત્યુ થવા ઉપરાંત પચીસ જેટલા લોકોને ઈજા થઈ હોવાથી તેમને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
નિક પોલીસના જણાવ્યા મુજબ ટોકન લેવા માટેની લાઇનમાં ઊભા રહેવા માટે ૪૦૦૦ જેટલા ભક્તોએ એકસાથે ધસારો કરવાથી મોડી સાંજે આ ઘટના બની હતી. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી જે. શ્યામલા રાવે ૧૦થી ૧૯ જાન્યુઆરી સુધી આયોજિત થનારા વૈકુંઠ એકાદશી અને વૈકુંઠ દ્વાર દર્શનમ માટે એક દિવસ પહેલાં જ ટોકન આપવાની જાહેરાત કરી હતી. આ સમય દરમ્યાન સાત લાખ ભક્તો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી છે.