પ્રથમ વાર શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકમાં સરદાર પટેલ ઍન્ડ કશ્મીર: ધ અનટોલ્ડ હિસ્ટરી પુસ્તકનું થશે પ્રતીકાત્મક લોકાર્પણ
જમ્મુ-કાશ્મીર પહોંચેલા સંતો અને હરિભક્તો.
જમ્મુ-કાશ્મીરમાં આવેલા શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકમાં આજે પહેલી વાર શ્રીસ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ‘સરદાર પટેલ અૅન્ડ કશ્મીર: ધ અનટોલ્ડ હિસ્ટરી’ પુસ્તકનું સિમ્બૉલિક રીતે લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૬૦ સંતો અને ૭૦૦ હરિભકતો કાશ્મીર પહોંચ્યા છે.
અમદાવાદમાં આવેલા શ્રીસ્વામીનારાયણ ગાદી સંસ્થાનના મહંત ભગવદપ્રિયદાસ સ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશની એકતા અને અખંડિતતાના પ્રહરી સરદાર વલ્લભભાઈ પટેલે કાશ્મીરના વિલીનીકરણમાં આપેલા ઐતિહાસિક પ્રદાનને ઉજાગર કરતા દસ્તાવેજી ગ્રંથ ‘સરદાર પટેલ અૅન્ડ કશ્મીર ઃ ધ અનટોલ્ડ હિસ્ટરી’ પુસ્તકનું લાલ ચોકમાં સિમ્બૉલિક રીતે લોકાર્પણ થશે. એ પછી સાંજે ટાગોર હૉલમાં આ ગ્રંથનું જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને શ્રીસ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રીયપ્રિયદાસ સ્વામી અેનું વિધિવત્ રીતે લોકાર્પણ કરશે. લાલ ચોકમાં યોજાનારો આ રાષ્ટ્રીય એકતા કાર્યક્રમ પોતાના પ્રકારનો સર્વપ્રથમ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિક્તાના સંગમનું સાક્ષી બનશે. સરદાર વલ્લભભાઈ પટેલે કાશ્મીરના વિલીનીકરણમાં આપેલા ઐતિહાસિક પ્રદાનને ઉજાગર કરતો આ દસ્તાવેજી ગ્રંથ છે જે રિઝવાન કાદરીએ લખ્યો છે.’
ADVERTISEMENT
૧૧૯ પ્રકરણનો ગ્રંથ
અમદાવાદમાં આવેલા શ્રીસ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત અને ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ સંશોધિત અને સંપાદિત કરેલા ૧૧૯ પ્રકરણોના ગ્રંથ સરદાર વલ્લભભાઈ પટેલના કાશ્મીર વિશેના અપ્રસિદ્ધ દસ્તાવેજો પર આધારિત છે. સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધશતાબ્દીના સમાપન પ્રસંગને અનુલક્ષીને યોજાનારા આ કાર્યક્રમના સાક્ષી બનવા માટે અમદાવાદથી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના સંતો અને હરિભક્તો જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે.
