બુધવારે મોડી રાતે તામિલનાડુના કડલુરમાં એક રોડ-ઍક્સિડન્ટમાં ૯ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૪ જણ ગંભીર ઘાયલ થયા હતા
રૉન્ગ સાઇડથી આવેલી બસે બે કારનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો.
બુધવારે મોડી રાતે તામિલનાડુના કડલુરમાં એક રોડ-ઍક્સિડન્ટમાં ૯ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૪ જણ ગંભીર ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું હતું કે ‘તિરુચિરાપલ્લીથી ચેન્નઈ જઈ રહેલી રોડવેઝની બસ સ્ટેટ હાઇવે પર સ્પીડમાં જઈ રહી હતી એ વખતે બસનું ટાયર ફાટ્યું હતું. એ પછી બસ અનિયંત્રિત થઈને ડિવાઇડર પર ચડી ગઈ અને બીજી લેનમાં જતી રહેતાં એણે સામેથી આવી રહેલી બે કારને કચડી નાખી હતી. બન્ને કાર બસની નીચે ફસાઈ જતાં એનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસ અને બચાવદળો આવે એ પહેલાં જ સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઍક્સિડન્ટને કારણે ચેન્નઈ-તિરુચિરાપલ્લી હાઇવે પર લગભગ ત્રણ-ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ થયો હતો. બે કલાક બાદ ક્રેનથી વાહનો હટાવ્યા પછી વાહનોની અવરજવર શરૂ થઈ શકી હતી. અકસ્માતમાં ૭ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં જ્યારે બે જણનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. ચાર ઘાયલોમાં બે બાળકો છે.
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને જીવ ગુમાવનારા પરિવારોને ૩-૩ લાખ અને ઘાયલોને એક લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.


