Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > TMCના બળવાખોર સંસદસભ્યોની યાદી ફરતી થઈ, સાયોની ઘોષ અને શત્રુઘ્ન સિંહા જેવાં વફાદાર નામ પણ સામેલ

TMCના બળવાખોર સંસદસભ્યોની યાદી ફરતી થઈ, સાયોની ઘોષ અને શત્રુઘ્ન સિંહા જેવાં વફાદાર નામ પણ સામેલ

Published : 11 June, 2026 08:38 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)માં શરૂ થયેલો આંતરિક વિખવાદ હવે વધુ ગંભીર બનતો દેખાઈ રહ્યો છે

સાયોની ઘોષ, શત્રુઘ્ન સિન્હા

સાયોની ઘોષ, શત્રુઘ્ન સિન્હા


પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)માં શરૂ થયેલો આંતરિક વિખવાદ હવે વધુ ગંભીર બનતો દેખાઈ રહ્યો છે. વિધાનસભાના સભ્યો બાદ હવે પક્ષના લોકસભાના ૧૯ સંસદસભ્યો પણ બળવાખોર છાવણીમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચર્ચામાં આવેલી યાદીમાં અભિનેતા-રાજકારણી સાયોની ઘોષ, શત્રુઘ્ન સિંહા અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનાં નામ પણ સામેલ હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સંસદસભ્યોએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર આપીને અલગ સંસદીય જૂથની જાણ કરી છે. જોકે TMC તરફથી આ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સૌથી ચર્ચિત ચહેરાઓમાંનાં એક સાયોની ઘોષને મમતા બૅનરજી અને અભિષેક બૅનરજીના સૌથી નજીકના નેતા માનવામાં આવે છે. 



લોકસભામાં TMCના કુલ ૨૮ સંસદસભ્યો છે. આવા સંજોગોમાં ૧૯ સંસદસભ્યોના બળવાનો દાવો સાચો સાબિત થાય તો પક્ષ માટે આ મોટો રાજકીય ફટકો ગણાશે. સૂત્રોનો દાવો છે કે બળવાખોર સંસદસભ્યો હાલ TMC છોડવા કે BJPમાં જોડાવા માગતા નથી, પરંતુ NDAને સમર્થન આપતા અલગ જૂથ તરીકે કામ કરવાની યોજના ધરાવે છે. દળબદલ વિરોધી કાયદાથી બચવા માટે આ વ્યૂહરચના અપનાવવામાં આવી હોવાનું મનાય છે.


રાજ્યસભાનાં સંસદસભ્ય સુષ્મિતા દેવે પક્ષ અને સંસદસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ બળવાખોર નેતા ઋતબ્રત બૅનરજીએ દાવો કર્યો છે કે તેમના જૂથને હવે ૬૪ વિધાનસભ્યોનું સમર્થન છે અને અસલી TMC તેમનો જ પક્ષ છે.

કોણ છે સાયોની ઘોષ?
બંગાળી અભિનેત્રી તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર સાયોની ઘોષ ૨૦૨૧માં TMCમાં જોડાઈ હતી, પણ આસનસોલ વિધાનસભા બેઠક પરથી હાર મળી હતી. જોકે તે મમતા બૅનરજીનો વિશ્વાસ જીતવામાં સફળ રહી હતી. ત્રિપુરામાં ‘ખેલા હોબે’ના નારા બાદ થયેલી ધરપકડ અને ભરતી કૌભાંડ કેસમાં EDની પૂછપરછ બાદ તે વધુ ચર્ચામાં આવી. ૨૦૨૩માં તે TMC યુવા મોરચાની પ્રમુખ બની અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જાદવપુર બેઠક પરથી જીત મેળવી સંસદસભ્ય બની હતી.


કેમ સાયોની ઘોષનું નામ આટલું મહત્ત્વપૂર્ણ?
સાયોની ઘોષ મમતા બૅનરજીનાં સૌથી અંગત નેતા હોવા ઉપરાંત પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમ્યાન TMCના સૌથી ચર્ચિત ચહેરામાંનાં એક હતાં. BJPને અસહજ કરનારું દરેક નિવેદન સાયોની ઘોષે જ આપ્યું હતું. આ ઉપરાંત તેમણે મમતા બૅનરજીને ભવિષ્યનાં વડાં પ્રધાન પણ ગણાવ્યાં હતાં. BJP સૌથી વધારે પરેશાન સાયોનીના કારણે રહી હતી. એવામાં તેમનું પણ TMC છોડવું એક ખૂબ જ મોટા સમાચાર છે.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 08:38 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK