રામબેટીના દીકરાઓનું કહેવું છે કે માના ગયા પછી બન્ને હાથીઓ એકદમ ગુમસુમ થઈ ગયા છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર પ્રદેશના સંભલમાં રહેતાં ૭૪ વર્ષનાં રામબેટી દેવીની જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે આખા સંભલમાં સોપો પડી ગયો હતો. રામબેટીને તેમના પરિવારે એવી વિદાય આપી કે રસ્તામાં હજારો લોકોની ભીડ જમા થઈ ગઈ. તેમની અંતિમયાત્રા ૧૫ કિલોમીટર લાંબી હતી. એમાં બે પાળતુ હાથીઓ ઉપરાંત જાતજાતના ધાર્મિક ટૅબ્લો જોડવામાં આવ્યાં હતા. કેટલાક ટૅબ્લો લોકો ઉપાડી રહ્યા હતા તો કેટલાક ટ્રૅક્ટર પર હતા.
રામબેટી દેવીને પ્રાણીઓ ખૂબ પ્યારાં હતાં. તેમના ઘરે મોહન અને પરમા નામના બે હાથીઓ પાળેલા હતા. ૨૦૧૨માં તેમના પતિનું નિધન થયા પછી તો આ હાથીઓની એકલે હાથે તેમણે સંભાળ રાખી હતી. રામબેટીના પરિવારને સ્થાનિકોમાં હાથીઓનો પરિવાર ગણવામાં આવતો હતો. તેમના ઘરથી ૧૫ કિલોમીટર દૂર આવેલા સંભલના રાજઘાટ ગંગા તટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એ યાત્રામાં પરિવારજનોએ રામબેટીના જીવન અને સિદ્ધાંતોને અભિવ્યક્ત કરતી ઝાંખીઓ તૈયાર કરી હતી. એને કારણે અંતિમયાત્રાનો કાફલો લાંબો થઈ ગયો હતો. તેમને આખરી વિદાય આપવા માટે મોહન અને પરમા નામના બે હાથીઓની ઉપસ્થિતિએ લોકોમાં જબરું આકર્ષણ જન્માવ્યું હતું. ૭ ઑક્ટોબરે તેમની વિદાય થઈ હતી. રામબેટીના દીકરાઓનું કહેવું છે કે માના ગયા પછી બન્ને હાથીઓ એકદમ ગુમસુમ થઈ ગયા છે.
