ઉત્તર પ્રદેશમાં પતિને ત્રાસ આપતી પત્નીની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
પતિના હાથ-પગ બાંધી દઈને સિગારેટના ડામ આપનારી ૩૦ વર્ષની મેહર જહાંની ઉત્તર પ્રદેશ પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે તેણે પતિના પ્રાઇવેટ પાર્ટને કાપી નાખવાની પણ કોશિશ કરી હતી. બિજનોર તાલુકાના સ્યોહારા વિસ્તારના ચકમહમૂદ સાની ગામની પોલીસે પતિ મન્નાન ઝૈદીની ફરિયાદને આધારે પત્ની સામે પગલાં લીધાં હતાં. પત્ની ત્રાસ આપતી હોવાથી તેની મારઝૂડની ઘટનાનો પુરાવો મેળવવા તેણે ઘરમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) લગાવ્યું હતું અને એમાં આ ઘટના કેદ થઈ હતી. આ ફુટેજ પણ તેણે પોલીસને આપ્યાં છે. આ ફુટેજનો વિડિયો પણ વાઇરલ થયો છે. મન્નાન ઝૈદીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે સફિયાબાદ ગામની મેહર જહાં સાથે તેને પ્રેમ થયો હતો અને ૨૦૨૩ની ૧૭ નવેમ્બરે તેમના નિકાહ થયા હતા. નિકાહ બાદ પત્નીની હઠને કારણે પરિવારથી અલગ થઈને તે સ્યોહારામાં રહેવા આવ્યો હતો. થોડા દિવસ બાદ તેને ખબર પડી કે મેહર જહાં દારૂ પીએ છે અને સ્મોકિંગ કરે છે. નવા ઘરમાં મેહર જહાંએ પતિને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરવાની શરૂઆત કરી દીધી. મન્નાને વિરોધ કર્યો તો તેને મારી નાખવાની ધમકી આપી દીધી.
૨૯ એપ્રિલે મેહર જહાંએ તેના દૂધમાં નશીલો પદાર્થ ભેળવી દીધો હતો અને આ દૂધ પીવાની તેને ફરજ પાડી હતી. દૂધ પીધા બાદ તે બેહોશ થઈ ગયો ત્યારે મેહરે તેના હાથ અને પગ બાંધી દીધા હતા અને શરીર પર સિગારેટના ડામ દીધા હતા. ચાકુ લઈને પ્રાઇવેટ કાપી નાખવાની કોશિશ કરી હતી. ફુટેજમાં દેખાય છે કે તે પત્ની પાસે દયાની ભીખ માગી રહ્યો છે, પણ તે યાતના આપવાનું બંધ કરતી નથી.