આજે આસામ, કેરલમ અને પૉન્ડિચેરીમાં વિધાનસભાની તમામ બેઠકો માટે થશે મતદાન, ચૂંટણીનું પરિણામ આવશે ચોથી મેએ
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે ભવાનીપુર બેઠક માટે ઇલેક્શન ઑફિસમાં પોતાનું ઉમેદવારીપત્રક સોંપ્યું હતું.
આજે આસામ, કેરલમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉન્ડિચેરીમાં મતદાન થશે. આસામમાં એક જ તબક્કામાં એકસાથે તમામ ૧૨૬ બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પહેલાંના ઓપિનિયન પોલમાં આસામમાં BJPના ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળે એવા આસાર છે. ચાણક્ય સ્ટ્રૅટેજી સર્વેમાં આસામમાં NDAને ૮૩થી ૯૦ બેઠકો અને કૉન્ગ્રેસને ૩૦થી ૩૫ બેઠકો મળે એવી સંભાવના જતાવાઈ છે.
કેરલમમાં ૧૪૦ બેઠકો માટે એકસાથે આજે મતદાન થશે. મૅટ્રિઝ ઓપિનિયન પોલ અનુસાર કેરલમમાં લેફ્ટ ડેમોક્રૅટિક ફ્રન્ટ (LDF) અને યુનાઇટેડ ડેમોક્રૅટિક ફ્રન્ટ (UDF) વચ્ચે કાંટાની ટક્કર થશે. LDFને ૬૨થી ૬૮ અને UDFને ૬૭થી ૭૩ બેઠકો મળવાની સંભાવના છે. જોકે આ રેસમાં BJP ક્યાંય નજર નથી આવી રહી.
ADVERTISEMENT
મમતા બૅનરજીએ ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
ગઈ કાલે કલકત્તાની ભવાનીપુરની બેઠક માટે મમતા બૅનરજીએ ફૉર્મ ભર્યું હતું. એ વખતે તેમના ભાઈ બાબુન બૅનર્જી સહિત અનેક મહિલા સમર્થકોનું સરઘસ નીકળ્યું હતું. તેમની સામે આ બેઠક પર સીધી ટક્કર થશે તૃણમૂલ કૉન્ગ્રેસથી છૂટા પડેલા અને ગઈ વિધાનસભાની ચૂંટણીઓમાં નંદીગ્રામથી તેમને હારનો સ્વાદ ચખાડનારા શુભેન્દુ અધિકારી સાથે. એ હાર પછી મમતા બૅનરજીએ ભવાનીપુરથી પેટાચૂંટણીમાં જીતીને વિધાનસભામાં જગ્યા બનાવી હતી. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે મમતાએ માત્ર શુભેન્દુ બૅનરજી સામે જ નહીં, મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને કારણે બદલાયેલા મતદારોના પડકારોનો પણ સામનો કરવાનો રહેશે. આ બેઠક પરથી ૪૭,૦૦૦થી વધુ મતદાતાઓનાં નામ હટાવવામાં આવ્યાં છે અને ૧૪,૦૦૦થી વધુ મતદાતાઓનાં નામ ક્રૉસ વૅરિફિકેશનમાં અટકેલાં છે.
