અમેરિકાનાં ૬૫ વર્ષનાં કાઈ નામનાં મહિલાએ મર્સિડીઝ બેન્ઝ દ્વારા લૉન્ચ થયેલી સ્માર્ટ ફૉર ટૂ તરીકે ઓળખાતી સ્મૉલ કારને ઘર બનાવી દીધું છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ ત્યારે ઘર લેવાનું, એને સાચવવાનું બહુ મોંઘું થઈ રહ્યું છે.
કાઈએ બનાવેલું સ્મૉલ કારમાં ઘર
અમેરિકાનાં ૬૫ વર્ષનાં કાઈ નામનાં મહિલાએ મર્સિડીઝ બેન્ઝ દ્વારા લૉન્ચ થયેલી સ્માર્ટ ફૉર ટૂ તરીકે ઓળખાતી સ્મૉલ કારને ઘર બનાવી દીધું છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ ત્યારે ઘર લેવાનું, એને સાચવવાનું બહુ મોંઘું થઈ રહ્યું છે. પોતાનું ઘર ન હોય એવા લોકો માટે સપનાનું ઘર ભાડે લેવાનું પણ દુર્લભ છે ત્યારે કાઈબહેને રિટાયર થયા પછી પૈસા બચાવવા માટે કારમાં જ પોતાનું ઘર વસાવી લીધું છે. છેલ્લા ૧૪ મહિનાથી ૬૫ વર્ષનાં કાઈબહેન કારમાં જ રહે છે. એ કારમાં તેઓ માંડ ફિટ બેસે છે, કેમ કે કારની હાઇટ પાંચ ફુટ પાંચ ઇંચની છે જ્યારે તેમનું આ નવું કારનું ઘર આઠ ફુટ બાય ચાર ફુટનું છે. કારની અંદરની જગ્યા લંબાઈની દૃષ્ટિએ જોઈએ તો પાંચ ફુટ આઠ ઇંચ જેટલી છે. એની અંદર તેઓ લાંબા થઈને સૂઈ જાય અને પડખું ફેરવતાં ધ્યાન ન રાખે તો ગબડી પડાય એટલી નાની જગ્યા છે. તાજેતરમાં ચીપ RV લિવિંગ નામની યુટ્યુબ ચૅનલ પર તેમનો ઇન્ટરવ્યુ આવ્યો છે. તેમનું પોતાનું ઘર ન હોવાથી તેઓ કારમાં મન ચાહે ત્યાં ફરે છે અને કોઈ પાર્કમાં કાર મૂકીને એમાં જ સૂઈ જાય છે. તેમણે કારની અંદર કપડાં, બુક્સ અને બેસિક કિચનની જરૂરિયાતો ડિકીમાં જ ગોઠવી રાખી છે. આ ઘરમાં ટૉઇલેટ નથી એટલે તેમણે પબ્લિક ટૉઇલેટ નજીકમાં હોય એવી જગ્યાએ જ રોકાવું પડે છે. ક્યારેક મોસમ ખરાબ હોય અને કારની બહાર નીકળી શકાય એમ ન હોય એવા સમય માટે તેમણે ઇમર્જન્સી પોર્ટેબલ ટૉઇલેટ રાખ્યું છે. કારમાં જ તેઓ બેથી ત્રણ ગૅલન પાણી પણ રાખે છે.
અમેરિકામાં ૭૦ વર્ષની વય પછીથી સરકાર દ્વારા વૃદ્ધોને કેટલીક સવલતો આપવામાં આવે છે. હજી કાઈ ૬૫ વર્ષનાં છે એટલે તેમણે પાંચેક વર્ષ આ રીતે કારમાં જ ગુજારવાં પડશે.

