કોલંબિયાની ૬૭ વર્ષની મરિયમબહેને પાડોશીઓની ગૉસિપ અને ખાનગી વાતો એકઠી કરીને એને કમાણીનું સાધન બનાવી દીધું છે. હવે લોકો તેની ગૉસિપ-બુક વાંચવા પૈસા ચૂકવે છે અને ખાસ સીક્રેટ માહિતી માટે તે પ્રીમિયમ ચાર્જ વસૂલે છે.
કોલંબિયામાં આ મહિલા ગૉસિપ કરીને કમાણી કરે છે
કોલંબિયાના ક્વિન્ડિઓ પ્રાંતમાં રહેતી ૬૭ વર્ષની મરિયમ નામની એક મહિલાએ તેના શોખના વિષયને કમાણીનું સાધન બનાવી દીધું છે. તેનો શોખ હતો પાડોશીઓ અને પોતાના આખા વિસ્તારમાં શું બને છે એની ગૉસિપ કરવી. પરિવારના ઝઘડા હોય, કોઈકના સીક્રેટ સંબંધો હોય, લોકલી કોઈકનો એકબીજા સાથે ૩૬નો આંકડો હોય કે કોઈકના ઘરમાં કંઈક સીક્રેટ ઘટના ઘટે જે લોકો છુપાવવા માગતા હોય એ બધું મરિયમબહેનને જાણવું બહુ ગમતું. પોતાનાં ‘સૂત્રો’ દ્વારા મરિયમ આખા વિસ્તારની આવી ખાનગી વાતો એકઠી કરતી. તેણે એ ગૉસિપની વાતો લખવાનું પણ શરૂ કર્યું હતું. પહેલાં તો તે એમ જ ગૉસિપ બીજાને જાણવી હોય તો કહી દેતી, પણ કેટલાક લોકો એ ગૉસિપ કઈ રીતે લખેલી છે એ જાણવામાં રસ ધરાવતા હતા. તેને થયું કે પોતાના જેવો જ ગૉસિપમાં બીજાને બહુ રસ પડે છે તો એને મૉનેટાઇઝ કેમ ન કરવું? તેણે પોતાની ગૉસિપ-બુક વાંચવા માટે પૈસા લેવાનું શરૂ કરી દીધું. લોકો પૈસા આપવા પણ માંડ્યા. બસ, મરિયમબહેનની ગૉસિપની ગાડી પુરજોશમાં દોડી રહી છે. સારી અને અત્યંત સીક્રેટ ગૉસિપ માટે હવે તે પ્રીમિયમ ચાર્જ વસૂલી રહી છે.
