પોલીસે ફક્ત ફરિયાદ જ નહોતી નોંધી, તેનું નિવેદન પણ લીધું હતું અને ચાર્જશીટમાં તેને સાક્ષી પણ બનાવ્યો હતો
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
કૉમેડી ફિલ્મની વાત નથી, ઇલાહાબાદના કુશીનગરમાં સાચ્ચે આ ઘટના બની છે. ઘટના બની અને છેક હાઈ કોર્ટ સુધી પહોંચી તો કોર્ટે પણ આશ્ચર્ય સાથે કહ્યું કે આ કેવી રીતે બને? થયું એવું કે પુરુષોત્તમ સિંહ સહિત પાંચ જણે હાઈ કોર્ટમાં અરજી કરી કે અમારા પર તાજેતરમાં છેતરપિંડીનો આરોપ મુકાયો છે, પરંતુ આરોપ મૂકનાર વ્યક્તિ ૩ વર્ષ પહેલાં મૃત્યુ પામી છે. એ સાંભળીને કોર્ટમાં અચરજ ફેલાયું કે જે માણસ મૃત્યુ પામ્યો હોય તે ફરિયાદ કેવી રીતે નોંધાવી શકે. એટલે કોર્ટે કુશીનગરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (SP)ને તપાસ કરવાનું કહ્યું. તપાસમાં ખબર પડી કે શબ્દ પ્રકાશ નામનો ફરિયાદી તો ૨૦૧૧ની ૧૯ ડિસેમ્બરે મૃત્યુ પામ્યો હતો. તેની પત્નીએ ડેથ-સર્ટિફિકેટ પણ બતાવ્યું. હવે સવાલ એ હતો કે પોલીસે ભૂતની એટલે કે મૃત વ્યક્તિની ફરિયાદ કઈ રીતે નોંધી? પોલીસે ફક્ત ફરિયાદ જ નહોતી નોંધી, તેનું નિવેદન પણ લીધું હતું અને ચાર્જશીટમાં તેને સાક્ષી પણ બનાવ્યો હતો. હવે જીવતા લોકોને મરેલા માણસે કેવી રીતે છેતર્યા એની તપાસ શરૂ થઈ છે.