ચીનમાં એક ફૂડ-ડિલિવરી કરનારો પાંચ વર્ષમાં મહેનત કરીને ૧.૧૨ મિલ્યન યુઆન એટલે કે લગભગ ૧.૪૨ કરોડ રૂપિયા કમાયો હતો
મિલ્યન યુઆન
ચીનમાં એક ફૂડ-ડિલિવરી કરનારો પાંચ વર્ષમાં મહેનત કરીને ૧.૧૨ મિલ્યન યુઆન એટલે કે લગભગ ૧.૪૨ કરોડ રૂપિયા કમાયો હતો. જોકે એ માટે તેણે રોજ ૧૩ કલાક કામ કર્યું હતું અને એ પણ વીકમાં એક પણ છુટ્ટી લીધા વિના. ‘સાઉથ ચાઇના પોસ્ટ’ના એક રિપોર્ટ અનુસાર ઝાંગઝોઉ શહેરમાં રહેતો પચીસ વર્ષનો ઝાંગ ઝુએકિયાંગ નામનો યુવક પહેલાં નાસ્તાનો સ્ટૉલ ચલાવતો હતો, પરંતુ ૨૦૨૦માં એ બંધ થઈ ગયો. નોકરીની શોધમાં તે શાંઘાઈ આવ્યો. જોકે નાસ્તાના સ્ટૉલના ખોટભર્યા બિઝનેસને કારણે ઑલરેડી તેના પર ૫૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ ૬.૩૭ લાખ રૂપિયાનું દેવું ચડી ગયું હતું. જોકે ઝાંગે જીવનમાં નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું. એ પછી તે ફૂડ-ડિલિવરી પ્લૅટફૉર્મ માટે કામ કરવા લાગ્યો. તેને લાગ્યું કે કોઈ પણ કામ ખંતથી કરવામાં આવે તો પૈસા કમાઈ અને બચાવી શકાય છે. તાજેતરમાં તેણે એક વિડિયો શૅર કરીને કહ્યું હતું કે ડિલિવરી-રાઇડર તરીકે કામ કરીને મેં મારું દેવું તો ચૂકવ્યું જ, પણ સાથે રોજબરોજનો ખર્ચ કાઢીને ૧.૧૨ મિલ્યન એટલે કે ૧.૪૨ કરોડ રૂપિયા કમાવામાં સફળ રહ્યો છું. એ વિડિયો જોઈને સ્થાનિક મીડિયા ઝાંગની પાછળ પડી ગયું હતું. એક ચૅનલવાળાએ તેને પકડીને કઈ રીતે આટલી કમાણી શક્ય છે એ તપાસવા એક આખો દિવસ તેની સાથે વિતાવ્યો હતો. ન્યુઝ-ચૅનલને તેણે કહ્યું હતું કે ‘મારી રોજબરોજની જરૂરિયાત ખૂબ ઓછી છે અને એના સિવાય મારો બીજો કોઈ ખર્ચ નથી. હું સાતેસાત દિવસ ૧૩ કલાક ડિલિવરી કરું છું. સૂવા અને ખાવા સિવાયનો બધો સમય કસ્ટમર્સને ડિલિવરી પહોંચાડવામાં વિતાવું છું. દર મહિને હું ૩૦૦થી વધુ ઑર્ડર ડિલિવર કરું છું.’


