અમેરિકાના એક પરિવારે પાંચ વર્ષ એવા ઘરમાં વિતાવ્યાં જ્યાં એક-બે નહીં, ૨૦૦૦થી વધારે કરોળિયા હતા. ઘરની દીવાલો, સામાન, ફર્નિચર બધે એક ભયંકર પ્રજાતિના કરોળિયાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું.
ઘરમાં હતા ૨૦૫૫ ખતરનાક કરોળિયા, પાંચ વર્ષ સુધી પરિવારને ખ્યાલ ન આવ્યો
અમેરિકાના એક પરિવારે પાંચ વર્ષ એવા ઘરમાં વિતાવ્યાં જ્યાં એક-બે નહીં, ૨૦૦૦થી વધારે કરોળિયા હતા. ઘરની દીવાલો, સામાન, ફર્નિચર બધે એક ભયંકર પ્રજાતિના કરોળિયાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જોકે પાંચ વર્ષ અહીં રહેવા છતાં આ અમેરિકન પરિવારને કંઈ થયું નહોતું. આ અમેરિકન પરિવારના ઘરમાં ૨૦૫૫ બ્રાઉન રેક્લુઝ કરોળિયા મળી આવ્યા હતા, જેમાંથી લગભગ ૪૦૦ તો અત્યંત ઝેરી હતા. આ કરોળિયાને એક ખતરનાક પ્રજાતિ માનવામાં આવે છે, જેના ઝેરથી માણસના શરીર પર ફોલ્લા થઈ આવે છે. શરૂઆતમાં આ પરિવારે ઘરના ખૂણામાં ઘણી વાર કરોળિયા જોયા હતા, પરંતુ ક્યારેય એમના પર ધ્યાન નહોતું આપ્યું. એ લોકોને થતું કે ઘર છે, કરોળિયા તો હોય હવે, એમાં શું! પરંતુ જ્યારે પાંચ વર્ષમાં ધીમે-ધીમે કરોળિયાની સંખ્યા એકદમ વધી ગઈ ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે કંઈક ગરબડ છે. અંતે જ્યારે તેમણે પેસ્ટ કન્ટ્રોલ ટીમને બોલાવી અને તપાસ કરી ત્યારે પેસ્ટ કન્ટ્રોલનો સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. દરેક ખૂણામાં, તિરાડમાં, ફર્નિચરમાં અને દીવાલોની પાછળ સેંકડો કરોળિયા છુપાયેલા હતા. સતત છ મહિનાના ચાલેલી પેસ્ટ કન્ટ્રોલ અને સફાઈની કામગીરી પછી તેમણે કુલ ૨૦૫૫ કરોળિયા પકડ્યા હતા. આમાંના મોટા ભાગના કરોળિયા નાના હતા એટલે એ હજી ઝેરી બન્યા નહોતા. બ્રાઉન રેક્લુઝ કરોળિયાના શરીરની લંબાઈ લગભગ પાંચ મિલીમીટર સુધી પહોંચે ત્યાં સુધી તેઓ ઝેરી બનતા નથી. આ કેસ જ્યારે એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો ત્યારે વૈજ્ઞાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાઈ ગયું હતું, કારણ કે આ ઘરમાં આશરે ૪૮૮ કરોળિયા અત્યંત ઝેરી હતા. એમ છતાં પરિવારના એક પણ સભ્યને કરોળિયો કરડ્યો નહોતો. સામાન્ય રીતે આ કરોળિયાને ઘરમાંથી દૂર કરવા ખૂબ મુશ્કેલ છે, કારણ કે તેઓ ફર્નિચર, ખૂણા અને નાની તિરાડોમાં છુપાયેલા રહે છે અને આ પ્રજાતિના કરોળિયા મહિનાઓ સુધી ખાધા વગર જીવી શકે છે.


