ઉત્તર પ્રદેશમાં મોબાઇલ ન મળતાં ૧૧ વર્ષની બાળકી માતાથી નારાજ થઈ ઘરેથી નીકળી ગઈ હતી. ત્રણ દિવસની શોધખોળ બાદ પોલીસને બાળકી બિહારમાં તેના એક સગાના ઘરે મળી આવી હતી.
મોબાઇલ ન આપ્યો તો ૧૧ વર્ષની દીકરી માનું ગળું દબાવીને ભાગી ગઈ
આજકાલનાં બાળકોમાં મોબાઇલની લત કઈ હદે ઘર કરી ગઈ છે અને મોબાઇલ ન મળે તો તેઓ કઈ હદે જઈ શકે છે એનો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના તિવારીપુર ગામમાં રહેતી ૧૧ વર્ષની એક છોકરીએ તેની મા પાસે એક રાતે મોબાઇલ માગ્યો. રાત થઈ ગઈ હતી એટલે માએ તેને ના પાડી જે તેને ગમ્યું નહીં. નારાજ થઈને તેણે માનું ગળું દબાવી દીધું. માએ બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા. પાડોશીઓ અને ઘરના મકાનમાલિકે દીકરીને સમજાવીને શાંત પાડવાની કોશિશ કરી, પણ છોકરી એક જ ધમકી આપતી રહી કે જો તેને મોબાઇલ નહીં મળે તો ઘર છોડીને ભાગી જશે. અને ખરેખર બીજા દિવસે તે સ્કૂલેથી ઘરે આવી અને પછી ખભે કાળા રંગની બૅગ લગાવીને ઘરમાંથી ચૂપચાપ નીકળી ગઈ. મોડી સાંજે જ્યારે તે પાછી ન ફરી તો પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેની માએ પોલીસને કહ્યું હતું કે તે ઘરેથી નીકળી એ પહેલાં મોબાઇલ પર કોઈકની સાથે ગુપચુપ વાત કરી રહી હતી. એ પછી તે ક્યારે ઘરની બહાર નીકળી ગઈ એ ખબર નથી. કેટલાક પાડોશીઓએ છોકરીને કોઈકની સાથે બાઇક પર જતાં જોઈ હતી. પોલીસે તસવીરો આસપાસની પોલીસચોકીઓમાં ફેરવીને સઘન તપાસ શરૂ કરી તો છેક ૩ દિવસ પછી બિહારના કોઈ સગાને ત્યાંથી છોકરી મળી આવી હતી.
