૩૦,૦૦૦ ફુટ ઊંચે વિમાનની વિન્ડો તૂટી ગઈ, મુસાફરનું અડધું શરીર બહાર ખેંચાઈ ગયું, પત્ની અને અન્ય મુસાફરોએ પગેથી ખેંચીને મુસાફરને બચાવ્યો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ગ્રીસથી જર્મની જઈ રહેલી એક ફ્લાઇટમાં શુક્રવારે એક ભયાનક ઘટના બનતાં મુસાફરો ડઘાઈ ગયા હતા. ફ્લાઇટ લગભગ ૩૦,૦૦૦ ફુટ ઊંચે હતી ત્યારે અચાનક એક વિન્ડો ઊખડી ગઈ. અચાનક કૅબિનનું પ્રેશર ઘટી જતાં બારી પાસે જ બેઠેલા ૬૧ વર્ષના એક મુસાફરનું માથું, ગરદન અને ખભા બારીની બહારની તરફ ખેંચાઈ ગયા. પાસે બેઠેલી પત્ની અને અન્ય મુસાફરોએ તરત જ તેમને પકડી લીધા અને વિમાનની અંદર પાછા ખેંચી લીધા હતા.
આ ફ્લાઇટનું સંચાલન માલ્ટા ઍરલાઇન દ્વારા થઈ રહ્યું હતું. ફ્લાઇટમાં બેઠેલા મુસાફરોનું કહેવું હતું કે તેમને અચાનક જ ધમાકો થવા જેવો અવાજ સંભળાયો અને એ પછી તરત જ બધાના ઑક્સિજન-માસ્ક નીચે આવી ગયા. એ પછી વિમાન ખૂબ જ ઝડપથી નીચે ઊતરવા લાગ્યું હતું. આ ગતિ જોઈને મુસાફરોમાં દહેશત ફેલાઈ ગઈ. મોટા ભાગના લોકો સૂઈ રહ્યા હતા, પરંતુ જાણે ટાયર ફાટ્યું હોય એવો અવાજ આવતાં બધા જાગી ગયા હતા. કૅબિન-પ્રેશર ઘટી જતાં એક પ્રવાસીનું અડધું શરીર બારીમાંથી બહાર નીકળી ગયું હતું, પરંતુ આસપાસના મુસાફરો અને તેની પત્નીએ પગ ખેંચીને મુસાફરને બચાવી લીધો હતો. એ પછી વિમાનનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું અને ઘાયલ યાત્રીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગળા, ખભામાં ઈજા થવા ઉપરાંત શરીર પર ભારે પવન ઘસાવાથી ત્વચા પર દાઝવા જેવા ઘા થયા હતા.
