લગ્ન માટે માદા મગરમચ્છને સફેદ વેડિંગ ગાઉન પહેરાવવામાં આવે છે. સજાવી-ધજાવીને એને દુલ્હાના હાથમાં એટલે કે મેયરના હાથમાં આપવામાં આવે છે
મેક્સિકોના મેયરે મગર સાથે લગ્ન કર્યાં અને દુલ્હનને કિસ પણ કરી
મેક્સિકોના સૅન પેડ્રો હુઆમેલુલા શહેરના મેયર ડૅનિયલ ગુટિએરેજે જૂનની છેલ્લી તારીખે એક મગર સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન પાછળ ખાસ હેતુ હતો. અહીં ૨૩૦ વર્ષથી આ પરંપરા છે. આ રસમ ચોન્તાલ અને હવાવે જનજાતિના સમુદાયો વચ્ચે એકતાનું પ્રતીક છે અને સાથે જ આ લગ્ન કરીને સારો પાક, પૂરતો વરસાદ અને શહેરમાં સમૃદ્ધિ રહે એની કામના કરવામાં આવે છે.
લગ્ન માટે માદા મગરમચ્છને સફેદ વેડિંગ ગાઉન પહેરાવવામાં આવે છે. સજાવી-ધજાવીને એને દુલ્હાના હાથમાં એટલે કે મેયરના હાથમાં આપવામાં આવે છે. મેયર એને ચુંબન કરે છે અને ડાન્સ પણ કરે છે. ૧૭૮૯ની સાલથી આ પ્રથા પાળવામાં આવે છે. લોકવાયકા અનુસાર ચોન્તાલના રાજા જેનું પ્રતિનિધિત્વ મેયર કરે છે એ અને હવાવેની રાજકુમારી જેનું પ્રતિનિધિત્વ મગર કરે છે એ બન્ને વચ્ચે સાંકેતિક વિવાહ થાય છે. આ લગ્ન કર્યા પછી બે સમુદાય વચ્ચે વર્ષોથી ચાલી આવતા સંઘર્ષને પૂર્ણવિરામ મળ્યું હતું. મગરને ધરતીનું પ્રતીક માનવામાં આવે છે. કબીલાનો રાજા એની સાથે લગ્ન કરીને આખા સમુદાય માટે સારો વરસાદ, સારો પાક અને ભરપૂર પ્રાકૃતિક સંસાધનો મળે એવી પ્ર્રાર્થના કરે છે.
ADVERTISEMENT
લગ્ન માટે જે મગરની પસંદગી કરવામાં આવે છે એ લા નીના પ્રિન્સેસ કહેવાય છે. આ પ્રિન્સેસને દર વર્ષે એક હુલામણું નામ આપવામાં આવે છે. આ વર્ષે ૩૦ જૂને મેયરનાં લગ્ન શહેરના ટાઉન હૉલમાં થયાં હતાં. એમાં સંગીત અને નૃત્યનો કાર્યક્રમ થયો હતો. લગ્નની વિધિ પછી દુલ્હો દુલ્હનને કિસ કરે એ સૌથી મહત્ત્વની વિધિ છે.

