ડ્રાઇવર એક કલાકમાં આવીને બાળક પાછું આપી ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોરમાં એક યુગલ ૧૪ ફેબ્રુઆરીએ ૪ વર્ષના દીકરા સાથે બહાર ગયું હતું. ઘરે પાછા ફરતી વખતે તેમણે કૅબ બુક કરી હતી. સફર દરમ્યાન બાળક પાછળની સીટ પર ઊંઘી ગયું હતું. જ્યારે પેરન્ટ્સ તેમના ગંતવ્યસ્થાને ઊતર્યા ત્યારે સાવ ભૂલી જ ગયા કે દીકરો પણ તેમની સાથે હતો. કૅબ-ડ્રાઇવરને પણ ખબર નહોતી કે પાછળની સીટ પર બાળક ઊંઘી રહ્યું છે. જોકે થોડીક વાર પછી જ્યારે ખબર પડી કે તેઓ દીકરાને તો કૅબમાં જ ભૂલી ગયા છે ત્યારે તેમણે હાંફળા-ફાંફળા થઈને કૅબની હેલ્પલાઇન પર ફોન કર્યો અને પોલીસને જાણ કરી. પોલીસે તરત જ એ વાહનનું લોકેશન ટ્રૅક કરીને કૅબ-ડ્રાઇવરનો સંપર્ક કર્યો હતો. ડ્રાઇવરે પાછળની સીટ પર ચેક કર્યું તો ખબર પડી કે બાળક સૂતું છે. તેણે કન્ફર્મ કર્યું કે બાળક સલામત છે. ડ્રાઇવર એક કલાકમાં આવીને બાળક પાછું આપી ગયો હતો.
