તમે ચંદ્રમા પર જઈને હૉલિડે માણવા જવાનું પ્લાનિંગ કરી શકો એમ છો. અલબત્ત, જવાનું હમણાં તરત શક્ય નથી
પ્રતીકાત્મક તસવીર
આજકાલના પ્રેમીઓ હવે ચાંદતારા તોડી લાવવાનું કે ચાંદ પર લઈ જવાનું પ્રૉમિસ નથી આપતા, કેમ કે એ પ્રૅક્ટિકલ નહોતું. જોકે હવે ખરેખર તમે ચંદ્રમા પર જઈને હૉલિડે માણવા જવાનું પ્લાનિંગ કરી શકો એમ છો. અલબત્ત, જવાનું હમણાં તરત શક્ય નથી, પરંતુ એનું બુકિંગ અત્યારથી કરી લેવું જરૂરી છે. અમેરિકાના કૅલિફૉર્નિયામાં આવેલી ગૅલૅક્ટક રિસોર્સ યુટિલાઇઝેશન સ્પેસ (GRU) નામની કંપનીએ ચંદ્ર પર એક સ્થાયી હોટેલ બનાવવાની જાહેરાત કરી છે. આ કંપનીનો ટાર્ગેટ છે ૨૦૩૨ સુધીમાં ચંદ્ર પર હોટેલ બનાવીને મહેમાનોના સ્વાગત માટેની તૈયારી કરવાનો. ચંદ્ર પર અત્યાર સુધીમાં બહુ ગણ્યાગાંઠ્યા લોકોએ પગ મૂક્યો છે, પરંતુ કાયમી હોટેલ બનાવીને ત્યાં અનેક લોકોને મુલાકાત કરવા માટે લઈ જવાનું સપનું જોયું છે કૅલિફૉર્નિયાની સ્પેસ કંપનીએ. એ માટેનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને એક રાત ચંદ્ર પર બનનારી હોટેલમાં રહેવાના ભાડા માટે ૪.૧૦ લાખ ડૉલર એટલે કે લગભગ સાડાત્રણ કરોડ રૂપિયા ખર્ચવા પડશે. આ ઍડ્વાન્સ બુકિંગના રેટ છે, એક વાર સર્વિસ શરૂ થયા પછીથી આ ચાર્જ આઠ કરોડ રૂપિયાનો થઈ જશે.


