ચીનના યાનતાઈમાં ૩ વર્ષ પહેલાં એક કૂતરો એક સાંકડા મોંવાળા કૂવામાં પડી ગયો હતો. આ કૂવામાં પાણી ખાસ નહોતું
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ચીનના યાનતાઈમાં ૩ વર્ષ પહેલાં એક કૂતરો એક સાંકડા મોંવાળા કૂવામાં પડી ગયો હતો. આ કૂવામાં પાણી ખાસ નહોતું, પરંતુ એનું મોં ખૂબ સાંકડું હતું અને એ લગભગ ૪૦થી ૫૦ મીટર ઊંડો ખાડો હતો. એમાંથી કૂતરાને બહાર કાઢવા માટે ફાયર-બ્રિગેડના લોકોએ ઘણો પ્રયત્ન કર્યો, પણ સાંકડા મોંને કારણે એને કાઢવાનું શક્ય ન બન્યું. કૂતરો નીકળી શકે એમ નહોતો, પરંતુ લોકોએ એને અંદર પણ જિવાડવા માટે પૂરતી કોશિશ કરી. આસપાસના લોકો રોજ એને ખાવાનું અને પીવાનું પાણી આપતા રહ્યા. બાળકોએ કૂવાના ઢાંકણામાંથી એની સાથે વાતો કરીને એકલું ન લાગે એવા પ્રયત્નો કર્યા. ૩ વર્ષમાં લગભગ ૪૦ વાર અલગ-અલગ સંસ્થાઓ અને લોકોએ કૂતરાને બહાર કાઢવા માટે ઑપરેશન હાથ ધર્યાં હતાં, પણ એ સફળ ન થયાં. આખરે યાનતાઈ હુઆબી ઍનિમલ રેસ્ક્યુ ટીમે મહેનત આરંભી. તેમણે એક ખૂબ જ સાંકડી બાસ્કેટ જેવું બનાવ્યું અને એ બાસ્કેટને રસી બાંધીને બચાવદળની પાતળી વ્યક્તિને અંદર ઉતારવામાં આવી. પહેલાં તો કૂતરું બચાવ કરવા આવેલી વ્યક્તિ પાસે જતાં ડરતું હતું એને કારણે બચાવનું મિશન મુશ્કેલ થઈ ગયું હતું. આખરે રેસ્ક્યુ ટીમે એક જાળ કૂવામાં ઉતારીને નીચે બિછાવી દીધી. ડૉગી કૂવામાં અંદર હરતું-ફરતું હતું ત્યારે એ જાળમાં ફસાઈ ગયું. એ પછી જાળને સાવધાનીથી ઉપર ખેંચી લેવામાં આવી. ૩ વર્ષ પછી એ ઉજાસમાં આવ્યો હોવાથી એની દૃષ્ટિ પર અસર થઈ હતી. એને કાન અને ત્વચાની પણ તકલીફો થઈ હતી. સાંકડી જગ્યામાં રહેવાને કારણે એ ખૂબ નબળો પડી ગયો હતો. જોકે એને જીવતો બહાર કાઢી શકાયો એ માટે લોકો ખુશ થઈ ગયા હતા.
