અનિલ મારવાહની ઑફિસ કનૉટ પ્લેસ પર છે અને તેઓ વસંતકુંજ વિસ્તારના ઘરેથી આવવા-જવા માટે મેટ્રો જ વાપરે છે. કારની સરખામણીએ મેટ્રોમાં વધુ સમય લાગતો હોવા છતાં તેમનો મેટ્રોપ્રેમ તેમને મેટ્રોની સફર કરવા પ્રેરે છે.
અનિલ મારવાહ
નવી દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાં રહેતા અનિલ મારવાહ નામના ભાઈ દિલ્હી મેટ્રો માટે એટલા પૅશનેટ છે કે તેમને હવે દિલ્હી મેટ્રોના બધા કર્મચારીઓ જાણે છે. તેમણે આઠમી માર્ચે શરૂ થયેલી નવા રૂટની મેટ્રોના ઉદ્ઘાટન પછી સૌપ્રથમ મુસાફર બનીને એમાં યાત્રા કરી હતી. ફર્સ્ટ રાઇડર તરીકેની અનિલ મારવાહની આ ૪૧મી સફર હતી. તેમણે દીપાલ ચોકથી મજલિસ પાર્ક સુધીની યાત્રા સૌથી પહેલું કાર્ડ લઈને કરી હતી. મેટ્રો માટેનું તેમનું આ પૅશન જપાન સાથે કનેક્શન ધરાવે છે. ૧૯૮૮-’૮૯ની સાલ દરમ્યાન અનિલ મારવાહ જપાનમાં હતા ત્યારે ત્યાં લોકલ મેટ્રોનો ઉપયોગ કરતા હતા. એ સમયે તેમના મનમાં એ વિચાર આવતો કે દિલ્હીમાં આવી આધુનિક સુવિધા ક્યારે શરૂ થશે? જ્યારે ૨૦૦૨માં દિલ્હીમાં મેટ્રો શરૂ થઈ તો તેમણે એમાં સૌથી પહેલાં મુસાફરી કરવાનું નક્કી કર્યું અને દીકરાને લઈને એમાં સફર કરી હતી. એ પછી તો દિલ્હીમાં કોઈ પણ નવા રૂટ પર મેટ્રો શરૂ થાય એટલે અનિલ મારવાહ ત્યાં પહેલા મુસાફર બનવા પહોંચી જાય છે. હવે ૨૩ વર્ષ થઈ ગયાં છે, પરંતુ મેટ્રો માટેનું તેમનું પૅશન એવું જ છે. દરેક વખતે તેઓ નવા રૂટના પહેલા મુસાફર બનીને યાત્રા કરતા હોવાની વાતને લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં પણ નોંધવામાં આવી છે. દિલ્હી મેટ્રોએ પણ તેમનું પ્રશંસાપત્ર આપીને સન્માન કર્યું છે. અનિલ મારવાહની ઑફિસ કનૉટ પ્લેસ પર છે અને તેઓ વસંતકુંજ વિસ્તારના ઘરેથી આવવા-જવા માટે મેટ્રો જ વાપરે છે. કારની સરખામણીએ મેટ્રોમાં વધુ સમય લાગતો હોવા છતાં તેમનો મેટ્રોપ્રેમ તેમને મેટ્રોની સફર કરવા પ્રેરે છે.
