એમાં એક આંગળીથી બસ ખેંચવાના અને દાંતોથી ટ્રામ ખેંચવાના સ્ટન્ટનો સમાવેશ થાય છે.
એગમૉન્ડ મોલિના
કૅરિબિયન દેશ અરુબાના ૪૯ વર્ષના ઍથ્લીટ એગમૉન્ડ મોલિનાએ તાજેતરમાં એક નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે ૯૦૦૦ કિલો વજનની બસને ગરદનથી લગભગ ૬૫ ફુટ સુધી ખેંચી હતી. આ કારનામું તેમણે જાન્યુઆરી મહિનામાં કર્યું હતું. એમાં તેમણે ગરદન પર પટ્ટો અને સાથે જોડાયેલી રસ્સીથી બસને ખેંચી હતી. આ પહેલાં આ સ્ટન્ટ કરવાનું કારનામું યુક્રેનના દિમિત્રો હુન્સ્કીના નામે હતું. તેણે ૨૦૨૪માં ૮૦૦૦ કિલો વજનનું વાહન ગરદન સાથે બાંધીને ખેંચ્યું હતું. ગરદન પર પટ્ટો બાંધવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. શ્વાસનળી પર જો વધુ દબાણ આવી જાય તો સ્ટન્ટ કરનારાના ત્યાં જ રામ રમી જાય એવી સંભાવના હતી. એગમૉન્ડભાઈનું કહેવું છે કે આમાં ગરદનની સ્ટ્રેન્ગ્થ હોવા ઉપરાંત શ્વાસને લાંબો સમય બંધ રાખીને વજન ખેંચવાની બેવડી ક્ષમતા કેળવવી પડે છે. આ માત્ર શારીરિક તાકાત જ નહીં, માનસિક સંતુલનની પરીક્ષા પણ હતી. એગમૉન્ડભાઈ આ પહેલાં પણ અનેક ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ બનાવી ચૂક્યા છે. એમાં એક આંગળીથી બસ ખેંચવાના અને દાંતોથી ટ્રામ ખેંચવાના સ્ટન્ટનો સમાવેશ થાય છે.
