લાખો રૂપિયાની નોકરી, સરકારી પાવર અને સુખસુવિધાઓ છોડીને તેમણે સંન્યાસ લીધો છે. તેમનું કહેવું છે કે કાયદાની આંટીઘૂંટી અને સિસ્ટમને કારણે એક પ્રકારની ગૂંગળામણ થતી હતી; પણ સંન્યાસ લીધા પછી જીવનમાં મોકળાશ, મુક્તિ અને શાંતિ લાગે છે.
CBI નોકરી છોડી બન્યા સંત
નર્મદા નદીના કિનારે રહેતા એક સંતનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. તેઓ કહે છે કે લાખો રૂપિયાની નોકરી, સરકારી પાવર અને સુખસુવિધાઓ છોડીને તેમણે સંન્યાસ લીધો છે. તેમનું કહેવું છે કે કાયદાની આંટીઘૂંટી અને સિસ્ટમને કારણે એક પ્રકારની ગૂંગળામણ થતી હતી; પણ સંન્યાસ લીધા પછી જીવનમાં મોકળાશ, મુક્તિ અને શાંતિ લાગે છે.
નર્મદા તટ પર રહેતા આ સંતે નકલી રુતબાને ઠુકરાવીને સંન્યાસી તરીકેની સરળતાને સ્વીકારી લીધી છે. તેમના માતા-પિતા પણ સરકારી ઑફિસર હતા અને ઘરમાં સુખસુવિધાની કોઈ કમી નહોતી. આ સંત પણ હોમિયોપથી ડૉક્ટર બન્યા અને પછી UPSC એક્ઝામ આપીને CBI ઇન્સ્પેક્ટર બન્યા હતા. સંત વિડિયોમાં કહે છે, ‘શરૂઆતમાં સરકારી નોકરી મળી તો લાગ્યું કે જિંદગીનો જંગ જીતી ગયો છું, પણ થોડા જ સમયમાં વાસ્તવિકતા સામે આવી ગઈ. આ વ્યવસ્થા તમને એક નોકર બનાવીને રાખી દે છે. કાયદો લાગુ કરવાના નામે લોકો સાથે કઠોર વ્યવહાર કરવો પડે જે મારા સ્વભાવની વિરુદ્ધ હતું. માનવતાને જાણે કોઈ સ્થાન જ નહોતું. ધીમે-ધીમે સમજાયું કે આ બધું વ્યર્થ છે. નોકરી અને ઘરબાર છોડીને ઘણાં રાજ્યો ફર્યો અને અંતે નર્મદાના તટે આવીને વસ્યો. અહીં મનનો બધો બોજ ઊતરી ગયો છે.’
