અમેરિકામાં ૭૭ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવનાર ફ્રાન્સિસ ક્લિફર્ડ સ્મિથનું ૧૦૧ વર્ષની ઉંમરે કુદરતી મૃત્યુ થયું. તેમને જીવનમાં ૮ વખત ફાંસીની સજા આપવામાં આવી હતી, પરંતુ દરેક વખતે ફાંસી ટળી હતી.
ફ્રાન્સિસ ક્લિફોર્ડ સ્મિથ
અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય જેલમાં રહેનારા ફ્રાન્સિસ ક્લિફર્ડ સ્મિથ નામના ભાઈનું ૧૦૧ વર્ષની ઉંમરે કુદરતી મૃત્યુ થયું હતું. સ્મિથે જિંદગીનાં ૭૭થી વધુ વર્ષ જેલના સળિયા પાછળ વિતાવ્યાં હતાં. નવાઈની વાત એ છે કે તેમને ખરેખર ૮ વાર ફાંસીની સજા આપવાની પૂરી તૈયારીઓ થઈ ચૂકી હતી, પરંતુ દરેક વખતે છેલ્લી ઘડીએ ફાંસી કોઈક ને કોઈક કારણોસર ટળી જતી હતી. દરેક વખતે તેમણે મોતની સજા પહેલાં અપાતું છેલ્લું જમણ પણ લીધું હતું.
૧૯૪૯માં અમેરિકાના કનેક્ટિકટના ગ્રીનવિચમાં ઇન્ડિયન હાર્બર યૉટ ક્લબમાં લૂંટફાટ થઈ હતી. એ દરમ્યાન ૬૮ વર્ષના નાઇટ વૉચમૅન ગ્રોવર હાર્ટની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ૧૯૫૦માં આ હત્યા માટે ફ્રાન્સિસ સ્મિથને દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમને ઇલેક્ટ્રિક ચૅરમાં કરન્ટ આપીને મોત આપવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી. એમ છતાં સ્મિથ છેલ્લી ઘડી સુધી પોતાને નિર્દોષ જ બતાવતા રહ્યા. તેમણે એક જ રટણ કર્યું કે ઘટના વખતે તેઓ ત્યાં હાજર જ નહોતા. છેલ્લી ઘડીએ આ ગુનામાં સામેલ એક સાક્ષીએ પોતાનું નિવેદન બદલી નાખ્યું એને કારણે ફાંસી રોકી દેવામાં આવી. જોકે એ પછી પણ કેસ આગળ ચાલ્યો અને કુલ ૮ વાર ફાંસીની તારીખો નક્કી થઈ, તેમને છેલ્લું જમણ અપાયું અને પછી નવી જ કોઈ કાયદાકીય દખલઅંદાજી થતાં તેમની ફાંસી ટળી જતી. છેક ૧૯૫૪માં ફાંસીના એક કલાક પહેલાં તેમની મોતની સજાને કોર્ટે ઉમરકેદમાં બદલી નાખી હતી. એ પછી તેમણે કનેક્ટિકટ જેલમાં બાકીનાં વર્ષો ગાળ્યાં. ૧૯૬૭માં ફ્રાન્સિસ જેલમાંથી ભાગી ગયા, પરંતુ ૧૨ દિવસમાં પોલીસ તેમને પકડીને લઈ આવી. એ પછી છેક ૨૦૨૦માં તેમની તબિયત કથળતાં તેમને વૃદ્વાશ્રમમાં શિફ્ટ કરવામાં આવ્યા. આ વ્યવસ્થા પણ કડક નિગરાનીવાળી જામીનવ્યવસ્થા હતી. આખરે ૧૦૧ વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા અને જીવનનાં ૭૭ વર્ષ જેટલો ગાળો જેલમાં ગુજારનારી અમેરિકાની ઐતિહાસિક વ્યક્તિનું ચૅપ્ટર અહીં પૂરું થયું.
