Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મુંબઈના ઉત્સવોની શાન બની ગયો છે ઢોલ-તાશાનો ધમધમાટ

મુંબઈના ઉત્સવોની શાન બની ગયો છે ઢોલ-તાશાનો ધમધમાટ

Published : 22 August, 2026 01:12 PM | Modified : 22 August, 2026 01:58 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

મુંબઈનું ઢોલ-તાશા કલ્ચર હવે માત્ર ગણેશોત્સવ પૂરતું સીમિત રહ્યું નથી. પરંપરા, પૅશન અને એકતાના આ નાદમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે અને તાલબદ્ધ પર્ફોર્મન્સ હવે દેશ-વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે.

મુંબઈના ઉત્સવોની શાન બની ગયો છે ઢોલ-તાશાનો ધમધમાટ

મુંબઈના ઉત્સવોની શાન બની ગયો છે ઢોલ-તાશાનો ધમધમાટ


ગણપતિબાપ્પાની ઍડ્વાન્સ પધરામણી થવી શરૂ થઈ ગઈ છે અને એની સાથે જ વિવિધ ઠેકાણે સ્પેશ્યલ ઢોલ-તાશા ગ્રુપ દ્વારા લયબદ્ધ પર્ફોર્મન્સની પણ શરૂઆત થઈ ગઈ છે. આજે જ્યારે લોકો પાસે સમય જ નથી એવી રામાયણ ચાલતી હોય છે ત્યારે મહિનાઓ પહેલાં કોઈ પણ આર્થિક લાભની લાલચ વિના માત્ર પૅશનથી પારાવાર એનર્જી માગી લેતાં વિવિધ વાજિંત્રો વગાડવાની પ્રૅક્ટિસમાં મચી પડતા ઢોલ-તાશાનાં વિવિધ પથકો સાથે તેમની અનોખી દુનિયા વિશે કરેલી વાતો પ્રસ્તુત છે

‘વર્ષોથી મારું એક સપનું હતું કે હું પણ લયબદ્ધ અને તાલબદ્ધ રીતે વાગતા ઢોલના ગ્રુપમાં હાજર હોઉં અને એ વગાડતી હોઉં. ૧૦ વર્ષ પહેલાં મારા એક સ્ટુડન્ટનું વૉટ્સઍપ સ્ટેટસ જોઈને એવા ગ્રુપ વિશે ખબર પડી અને બસ, એ દિવસથી ટ્રેઇનિંગ-સેશન શરૂ થયું. એ પછી આજ સુધી ગિરગાવ ધ્વજ પથકની લગભગ બધી જ ઇવેન્ટ મેં અટેન્ડ કરી છે.’
આ શબ્દો છે અસ્સલ ગુજરાતી નિશા શાહના. જોકે નવવારીમાં સજ્જ નિશાને તમે ઢોલ વગાડતાં જુઓ તો મૂંઝાઈ જાઓ કે તેના જૈન પરિવારથી લડી-ઝઘડીને આવેલાં નિશા શાહ ખરેખર મહારાષ્ટ્રિયન નથી. આ જ ચમત્કાર મુંબઈના ઢોલ-તાશા કલ્ચરે કર્યો છે. એણે એક અનોખી યુનિટી લાવીને પરસ્પરના ભેદને ભૂંસી નાખ્યો છે. માત્ર ધર્મ કે કમ્યુનિટીના નહીં, ઉંમરના અને સોશ્યલ કે ફાઇનૅન્શિયલ સ્ટેટસના પણ. એક તાલ, એક નાદ અને એક લય. કેસરી ફેંટો, સફેદ કુરતો-પાયજામો અને હાથમાં ૧૫ ફુટ ઊંચો ઝંડો લઈને તાલબદ્ધ વાજિંત્ર વગાડતા હજારો યુવાનોનો આ નજારો માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો મર્યાદિત નથી રહ્યો, એ મુંબઈની ઓળખનું સૌથી ધબકતું સાંસ્કૃતિક પ્રતીક બની ગયો છે જેમાં વિઝ્યુઅલી પણ આકર્ષણ ઊભું થાય એવી વેશભૂષા હોય. જોકે મુંબઈની શાન બની રહેલાં ઢોલ, તાશા, તુતારી, ઝાંઝ જેવાં મલ્ટિપલ ટ્રેડિશનલ વાજિંત્રોને શોભાયાત્રામાં સ્થાન ક્યારે અને કેવી રીતે મળ્યું, આ ગ્રુપ્સનું સંચાલન કેવી રીતે થાય છે, કેવી રીતે સ્ત્રી-પુરુષ સમાનતાનો અનોખો દાખલો અહીં કાયમ થઈ રહ્યો છે અને કેવા પડકારો વચ્ચે પણ સતત આ પ્રકારનાં પથકોની વૃદ્ધિ થઈ રહી છે જેવા દુનિયાભરના સવાલોના આજે જવાબ મેળવીએ.



સૌથી પહેલું પથક


આમ તો ઢોલ-તાશાનો પાયો પુણેમાં નખાયો, પણ એની મુંબઈમાં શરૂઆત કરવાનું શ્રેય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શિક્ષકોને જાય છે. ગિરગાવ ધ્વજ પથક મુંબઈનું પહેલવહેલું ઢોલ-તાશા જેવાં વાજિંત્રો વગાડતું ગ્રુપ મનાય છે અને એમાં આજે ૬૦૦થી વધુ મેમ્બરો છે. ગિરગાવની  ગુઢીપાડવાની શોભાયાત્રામાં આ ગ્રુપનો ગજબનાક દબદબો હોય છે. આ સંદર્ભે આ પથકના ફાઉન્ડર સભ્ય અને પ્રોફેશનથી એન્જિનિયર એવા નિખિલ કાલવિંદ કહે છે, ‘આ ગ્રુપની શરૂઆત ૨૦૦૫માં થઈ હતી. મુંબઈમાં એ સમયે શોભાયાત્રાની શોભા વધારે અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને એવું સંસ્કૃતિ અને એકતાને વધારતું એક પણ પથક નહોતું. અમે ગિરગાવની ગુઢીપાડવાની શોભાયાત્રાથી શરૂઆત કરી હતી. RSSના ગિરગાવ શાખાના પ્રમુખ રાજેશ પ્રભુ સાળગાંવકરના ગાઇડન્સ હેઠળ એ સમયે લગભગ ૧૬ લોકોથી જ શરૂ થયેલા ગ્રુપને ઢોલ-તાશા શીખવવા માટે ખાસ પુણેથી ટ્રેઇનર અનિલ ગાડગે આવેલા.’
બે દાયકા કરતાં વધુ સમયથી સક્રિય આ પથકના સભ્યોએ સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરના ઘરે ગણપતિબાપ્પાના આગમન સમયે પર્ફોર્મ કરેલું. એવી જ રીતે કોક સ્ટુડિયોના એક મ્યુઝિક આલબમને બનાવવામાં મ્યુઝિકથી લઈને તમામ રિક્વાયરમેન્ટ પૂરી પાડી હતી. નિખિલ કહે છે, ‘અમારા ગ્રુપમાં મુંબઈનાં જુદાં-જુદાં ઠેકાણેથી લોકો જોડાયેલા છે. થાણે, મુલુંડ, દાદર, ચેમ્બુરથી પણ લોકો આવે છે. એન્જિનિયર્સથી લઈને વકીલ, ડૉક્ટર, મલ્ટિનૅશનલ કંપનીના ઊંચા હોદ્દા પર રહેલા લોકો પણ અહીં ઢોલ વગાડતા જોવા મળશે. બધા સાથે હોય ત્યારે મરાઠા કલ્ચરની ઝાંખી સિવાય બીજો કોઈ ભેદ તમને નહીં દેખાય. અત્યારે પણ ગણપતિબાપ્પાના આગમનના અમારા ત્રણથી ૪ પ્રોગ્રામ થઈ ચૂક્યા છે. ઘણાબધા પ્રોગ્રામ્સ અત્યારે લાઇનઅપ થયેલા છે.’

પ્રૅક્ટિસ થાય ઍડ્વાન્સમાં


એક સમયે ઢોલ-તાશા માત્ર ગણેશોત્સવ પૂરતા સીમિત હતા, પરંતુ હવે એનો વ્યાપ ખૂબ વધી ગયો છે. ગુઢીપાડવાની શોભાયાત્રા માટે શરૂ થયેલું ઢોલ-તાશાનું કલ્ચર હવે ગણેશોત્સવ, શિવજયંતી, નવરાત્રિ, મેગા સ્પોર્ટ્સ અને કૉર્પોરેટ ઇવેન્ટ્સ સુધી વિસ્તરી ગયું છે. ગિરગાવ ધ્વજ પથક જેવાં વિશ્વવિખ્યાત જૂથોથી લઈને મુંબઈ અને એનાં ઉપનગરોમાં આજે ૩૦૦થી પણ વધુ નાનાં-મોટાં ઢોલ-તાશા પથકો સક્રિય છે અને વધુ ને વધુ લોકો આ ઍક્ટિવિટીમાં જોડાઈ રહ્યા છે. જોકે ઢોલ-તાશા વગાડવા એ માત્ર વાદ્ય વગાડવાની કલા નથી. એ અતિશય કઠોર શારીરિક અને માનસિક તાલીમની માગણી કરે છે. ગણેશોત્સવ કે ગુઢીપાડવા જેવા તહેવારોના બેથી ૩ મહિના પહેલાં જ મુંબઈમાં પ્રૅક્ટિસનો પ્રારંભ થઈ જાય છે. ફ્લાયઓવર નીચે, સ્કૂલનાં મેદાનોમાં કે ખાલી ગ્રાઉન્ડ્સ પર સાંજના સમયે દરરોજ બેથી ૩ કલાક સતત પ્રૅક્ટિસ થાય છે. આ તાલીમમાં કેટલાક મુખ્ય તબક્કા હોય છે. ઢોલ વગાડવા માટે લાકડીઓને પકડવાની ચોક્કસ પદ્ધતિ હોય છે. યોગ્ય ગ્રિપ વગર વગાડવાથી હાથમાં છાલાં પડી શકે છે કે મણકા પર ગંભીર ઈજા થઈ શકે છે. એક પ્રોફેશનલ ઢોલનું વજન પંદરથી પચીસ કિલો જેટલું હોય છે. એને સતત બે-ત્રણ કલાક સુધી છાતી અને ખભા પર બાંધીને ઊભા રહેવું અને સાથે તાલબદ્ધ રીતે વગાડવું એ ભારે કસરત છે. આ માટે સભ્યોને રનિંગ, પુશ-અપ્સ અને સ્ટ્રેચિંગ કરાવવામાં આવે છે. તાશાવાદક જે મુખ્ય તાલ કે પૅટર્ન વગાડે એને ઢોલવાદકોએ તરત જ પકડવાની હોય છે. ધિન-તાક, તીન-તાલ, પુણેરી તાલ, ગિરગાવ પૅટર્ન જેવી વિવિધ લયબદ્ધ શૈલીઓ પર સંગઠિત રિયાઝ થાય છે. 
૧૫ ફુટ ઊંચા ભારે કેસરી ધ્વજને પવનના સામના વચ્ચે હવામાં લહેરાવવો અને નચાવવો એ એક સંતુલનની કલા છે. મૌર્ય ગ્રુપનો આદિત્ય કહે છે, ‘લોકો બહારથી માત્ર ગણેશોત્સવના દિવસે અમારો સફેદ કુરતો અને ઉત્સાહ જુએ છે, પણ એની પાછળ મહિનાઓનો પરસેવો હોય છે. ૨૦ કિલોનો ઢોલ ખભા પર બાંધીને જ્યારે બે કલાક સતત વગાડીએ છીએ ત્યારે આખા દિવસનો માનસિક થાક ગાયબ થઈ જાય છે. દર વર્ષે આવતા નવા વાદકોને ઝીરોથી મફતમાં તાલીમ આપવામાં આવે છે, જેમાં સભ્યો પાસેથી માત્ર તેમની પરંપરાગત વેશભૂષાનો જ ખર્ચ લેવાય છે. પથક લોકોને શિસ્ત અને સમયપાલન શીખવે છે. અહીં કોઈ બૉસ કે એમ્પ્લૉઈ નથી હોતો, બધા જ વાદક હોય છે. જોકે મુંબઈમાં ગીચ બિલ્ડિંગો અને અવાજની ફરિયાદોને કારણે પ્રૅક્ટિસ માટે જગ્યા શોધવી એ મોટો પડકાર છે.’
ઉલ્લેખનીય છે કે દાદર અને વિક્રોલી વિસ્તારમાં સક્રિય મૌર્ય ઢોલ, તાશા અને ધ્વજ પથક માત્ર વાદન નથી કરતું; દર વર્ષે સમાજને એક સુંદર અને સકારાત્મક સંદેશ આપવાનું કાર્ય કરે છે. તેઓ તેમના વાદનને વિવિધ સામાજિક મુદ્દાઓને અને સંસ્થાઓને સમર્પિત કરે છે. જેમ કે તાજેતરમાં મુંબઈની લાઇફલાઇન BESTનાં ૧૦૦ વર્ષ પૂરાં થયાં તો તેમણે પોતાનું વાદન BESTને ડેડિકેટ કર્યું હતું. એ પહેલાં સરહદના જવાનોને, મરાઠી સ્કૂલોને અને ગયા વર્ષે હુતાત્મા ચોક ખાતે ૧૦૮ શહીદોને પોતાનો પર્ફોર્મન્સ સમર્પિત કર્યો હતો. ગણેશોત્સવ દરમ્યાન લાલબાગચા રાજાના વિસર્જનનું આ એકમાત્ર ઢોલ પથક છે જે ચિક્કાર જનમેદની વચ્ચે પણ ઉત્સાહપૂર્વક વાદન કરે છે.

પારાવાર પૅશન

હવે મુંબઈથી બૅન્ગલોર શિફ્ટ થઈ ગયેલો પણ એ પહેલાં મુંબઈમાં ઢોલ-તાશાવાદનનો ૧૩ વર્ષનો અનુભવ ધરાવતો સાગર પરમાર તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી ઢોલ-તાશા ઇવેન્ટ માટે ખાસ ફ્લાઇટ પકડીને મુંબઈ આવેલો અને બીજા દિવસે પાછો બૅન્ગલોર પહોંચી ગયો હતો. તમે એમાં મળતા સંતોષને શબ્દોથી ન વર્ણવી શકો એમ જણાવીને સાગર કહે છે, ‘શરૂઆતમાં પરિવાર તરફથી આપણામાં આવું ન વગાડાય જેવા શબ્દો સાંભળવા મળતા, પણ હવે તો એ લોકો પોતે જ મને પૂછતા હોય છે કે તારો નેક્સ્ટ પ્રોગ્રામ ક્યારે છે, અમે જોવા આવીશું. અત્યારે હું ભલે દૂર હોઉં, પણ મેં મિત્રો સાથે ફોનના રેકૉર્ડિંગ દ્વારા પ્રૅક્ટિસ કરીને ઇવેન્ટમાં પર્ફોર્મ કર્યું હતું.  ઢોલ-તાશા એ કોઈ આર્થિક કમાણીનું માધ્યમ નથી, કૉર્પોરેટ લાઇફના સ્ટ્રેસને ભૂલીને મનની શાંતિ આપતો અદ્ભુત પર્યાય છે.’

મહિલાઓની ભાગીદારી

એક સમય હતો જ્યારે ઢોલ-તાશા વગાડવા પુરુષોનું ક્ષેત્ર ગણાતું હતું, પરંતુ આજે મુંબઈનાં ઢોલ-તાશા પથકોમાં લગભગ ૫૦ ટકા જેટલી સંખ્યા મહિલાઓની છે. એટલું જ નહીં, મુંબઈમાં માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત ‘ઑલ-વુમન પથક’ પણ સફળતાપૂર્વક ચાલી રહ્યાં છે. ગૃહિણીઓ, કૉલેજિયનો અને વર્કિંગ વિમેન ખભા પર ૨૦ કિલોનો ઢોલ બાંધીને પુરુષસમોવડી ઊર્જા સાથે રમે છે. ગિરગાવના મહારાષ્ટ્રિયન પરિવારમાંથી આવતાં ૪૮ વર્ષનાં મનીષા કરકર છેલ્લાં ૯ વર્ષથી ગિરગાવ ધ્વજ પથકમાં સક્રિયપણે ઢોલ વગાડે છે અને એક ઉત્સાહી વાદક તરીકે જોડાયેલાં છે. તેઓ કહે છે, ‘પંદરથી ૨૦ કિલોના ઢોલ સાથે એક એક કલાક સતત વગાડવું શરૂઆતમાં મુશ્કેલ લાગે અને હાથ પણ દુખે, પરંતુ શનિ-રવિના સતત રિયાઝથી શરીર એની ટેવ પાડી લે છે અને ઉત્સવના વાતાવરણમાં એ વજન યાદ જ નથી રહેતું. પ્રી-મેનોપૉઝના તબક્કામાં હોવા છતાં રોજિંદા યોગ અને પરિવારના પૂરા સપોર્ટને કારણે હું ફુલ એનર્જી સાથે આ વાદનનો આનંદ લઉં છું. ઢોલ ઉપરાંત તાશાવાદન પણ મારું ફેવરિટ છે. બધા તાશાને પથકની હાર્ટબીટ ગણાવે છે. દરેક ઉંમર અને ક્ષેત્રના લોકો સાથે આત્મીયતા કેળવવાની તક આપતાં ઢોલ-તાશા પથક માત્ર સંગીત કે ઉત્સવનું માધ્યમ નથી રહ્યાં, પરંતુ મહિલાઓ માટે સ્ત્રી-સશક્તીકરણનું એક જીવંત ઉદાહરણ બની ગયાં છે.’

હેલ્થ-કૉન્શિયસ રહેવું જરૂરી

દસથી પચીસ કિલો સુધીનું વજન ધરાવતા ભારેખમ ઢોલને સતત બેથી ૩ કલાક સુધી છાતી અને ખભા પર બાંધીને તાલબદ્ધ વગાડવું અને ૧૦૦થી ૧૦૫ ડેસિબલના અતિ-ઉચ્ચ અવાજ વચ્ચે રમવું એ અતિશય કઠોર શારીરિક પરિશ્રમ માગી લે છે. તેથી જ મુંબઈનાં આધુનિક પથકો હવે ઉત્સાહની સાથે સભ્યોની ફિટનેસ અને આરોગ્ય પ્રત્યે અત્યંત જાગૃત બન્યાં છે. ડોમ્બિવલીના નિશાંત ચૌહાણ દ્વારા ૨૦૧૨માં માત્ર બાવીસ સભ્યો સાથે શરૂ થયેલું આરંભ પ્રતિષ્ઠાન આજે ૩૦૦થી વધુ સભ્યો ધરાવતું વિશાળ પથક બની ગયું છે, જેમાં ૪૦ ટકા જેટલી મહિલાઓની સક્રિય ભાગીદારી છે. મહારાષ્ટ્રિયન સંસ્કૃતિ અને વારસાને માત્ર મુંબઈ કે પુણે પૂરતાં સીમિત ન રાખતાં સમગ્ર દેશ અને દુનિયામાં પહોંચાડવાના ધ્યેય સાથે શરૂ થયેલા આ પથકે મુંબઈ ઉપરાંત દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં સફળ પર્ફોર્મન્સ આપ્યા છે. તેઓ માત્ર રેગ્યુલર ટ્યુન વગાડવાને બદલે કથ્થક ડાન્સર્સ, વિશેષ થીમ (જેમ કે ઑપરેશન સિંદૂર અને છત્રપતિ શિવાજી મહારાજનો વિજય મહોત્સવ) અને અલગ રિધમ સાથે વિઝ્યુઅલી ઇમ્પૅક્ટફુલ પ્રદર્શન માટે જાણીતા છે. પથક દ્વારા મેળવેલું તમામ માનધન સંસ્થાના વિકાસ અને સામાજિક ચૅરિટીનાં કામોમાં વપરાય છે. વ્યાવસાયિક રીતે IT ક્ષેત્રમાં કામ કરતા નિશાંત ચૌહાણ ઢોલના વજન અને તીવ્ર અવાજ સામે સભ્યોના સ્વાસ્થ્યની સુરક્ષા વિશે કહે છે, ‘સતત અને તીવ્ર અવાજથી કાનના પડદાને નુકસાન ન થાય એ માટે કાનમાં રૂ નાખવું જેવી બાબતો વિશે સભ્યોને સલાહ આપી છીએ. ઢોલના ભારે વજનને કારણે ભવિષ્યમાં કમર, મણકા કે ખભાની ઈજા ન થાય એ માટે ફિઝિયોથેરપિસ્ટની મદદથી વિશેષ પૉશ્ચર ગાઇડલાઇન્સ તૈયાર કરી છે. વાદકો માટે સ્પેશ્યલ સેફ્ટી બૅન્ડ, બૅક સપોર્ટ અને બેલ્ટ પહેરીને જ વાદન કરવાનો નિયમ બનાવ્યો છે. પ્રૅક્ટિસ શરૂ થાય એ પહેલાં સભ્યોને દોડવું, પુશ-અપ્સ, સ્ટ્રેચિંગ અને કમર-હાથના સ્નાયુઓને મજબૂત કરતી કસરતો કરાવવામાં આવે છે. સ્ત્રીઓ અને નાનાં બાળકોને તેમની ક્ષમતા મુજબ ઓછા વજનનો દસથી ૧૨ કિલોનો ઢોલ કે ઝાંઝ પસંદ કરવાની છૂટ આપવામાં આવે છે. સતત ગરમી અને પરસેવાને કારણે વાદકોને ડીહાઇડ્રેશન થવું, ચક્કર આવવાં કે મસલ ક્રૅમ્પ જેવી સમસ્યા ન થાય એ માટે પ્રૅક્ટિસ અને પ્રોસેશન દરમ્યાન ORS, ઇલેક્ટ્રોલ પાઉડર અને ગ્લુકોઝનું સતત વિતરણ કરવામાં આવે છે. એની સાથે જ ઇમર્જન્સી માટે ફર્સ્ટ એઇડ કિટ અને જરૂરી દવાઓ હંમેશાં સ્ટૅન્ડબાય રખાય છે.’

ઢોલ ઉપરાંત પથકમાં વપરાતાં અન્ય વાજિંત્રો અને સાધનો

પથક દ્વારા મેળવેલું તમામ માનધન સંસ્થાના વિકાસ અને સામાજિક ચૅરિટીનાં કામોમાં વપરાય છે. વ્યાવસાયિક રીતે IT ક્ષેત્રમાં કામ કરતા નિશાંત ચૌહાણ ઢોલના વજન અને તીવ્ર અવાજ સામે સભ્યોના સ્વાસ્થ્યની સુરક્ષા વિશે કહે છે, ‘સતત અને તીવ્ર અવાજથી કાનના પડદાને નુકસાન ન થાય એ માટે કાનમાં રૂ નાખવું જેવી બાબતો વિશે સભ્યોને સલાહ આપી છીએ. ઢોલના ભારે વજનને કારણે ભવિષ્યમાં કમર, મણકા કે ખભાની ઈજા ન થાય એ માટે ફિઝિયોથેરપિસ્ટની મદદથી વિશેષ પૉશ્ચર ગાઇડલાઇન્સ તૈયાર કરી છે. વાદકો માટે સ્પેશ્યલ સેફ્ટી બૅન્ડ, બૅક સપોર્ટ અને બેલ્ટ પહેરીને જ વાદન કરવાનો નિયમ બનાવ્યો છે. પ્રૅક્ટિસ શરૂ થાય એ પહેલાં સભ્યોને દોડવું, પુશ-અપ્સ, સ્ટ્રેચિંગ અને કમર-હાથના સ્નાયુઓને મજબૂત કરતી કસરતો કરાવવામાં આવે છે. સ્ત્રીઓ અને નાનાં બાળકોને તેમની ક્ષમતા મુજબ ઓછા વજનનો દસથી ૧૨ કિલોનો ઢોલ કે ઝાંઝ પસંદ કરવાની છૂટ આપવામાં આવે છે. સતત ગરમી અને પરસેવાને કારણે વાદકોને ડીહાઇડ્રેશન થવું, ચક્કર આવવાં કે મસલ ક્રૅમ્પ જેવી સમસ્યા ન થાય એ માટે પ્રૅક્ટિસ અને પ્રોસેશન દરમ્યાન ORS, ઇલેક્ટ્રાલ પાઉડર અને ગ્લુકોઝનું સતત વિતરણ કરવામાં આવે છે. એની સાથે જ ઇમર્જન્સી માટે ફર્સ્ટ એઇડ કિટ અને જરૂરી દવાઓ હંમેશાં સ્ટૅન્ડબાય રખાય છે.’

ઢોલ-તાશા પથકમાં માત્ર ઢોલ જ નથી હોતો; સંગીતના તાલ, લય અને દૃશ્ય-ભવ્યતા માટે અન્ય ઘણાં પરંપરાગત વાજિંત્રો અને સાધનોનો ઉપયોગ થાય છે.

તાશા :

તાંબા કે પિત્તળના વાટકા આકારના વાસણ પર ચામડું કે ફાઇબર મઢીને બનાવાયેલું એક નાનું પણ તીવ્ર અવાજવાળું વાદ્ય છે. એને વાંસ કે પ્લાસ્ટિકની બે પાતળી સળીઓ વડે વગાડવામાં આવે છે. ઢોલના ગંભીર અવાજની સાથે તાશાનો તીખો તાલ પથકનો મુખ્ય લય નક્કી કરે છે.

તુતારી :

પિત્તળમાંથી બનેલું અર્ધચંદ્રાકાર પૌરાણિક શિંગડા જેવું વાદ્ય છે. શોભાયાત્રા કે પ્રદર્શન શરૂ કરતી વખતે વિજયના સંકેત કે રાજશાહી સ્વાગત તરીકે તુતારીનો ગુંજતો નાદ કરવામાં આવે છે.

ઝાંઝ :

પિત્તળ કે કાંસામાંથી બનેલી નાની-મોટી મંજીરા જેવી તાસકો હોય છે. ઢોલ અને તાશાની વચ્ચે તાલ મેળવવા અને વાદનમાં ઝડપ લાવવા માટે ઝાંઝપથકના સભ્યો એને એકસાથે અથડાવીને વગાડે છે.

તોલ :

આ એક ભારે ધાતુની ગોળાકાર પ્લેટ હોય છે જેને લાકડી વડે ફટકારીને ઘંટ જેવો અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે. એ ઢોલના મુખ્ય બીટ્સ સાથે વાગે છે.

લેજીમ :

કેટલીક શોભાયાત્રામાં પથકની આગળ અથવા વચ્ચે લેજીમ વગાડીને પરંપરાગત નૃત્ય પણ કરવામાં આવે છે.

ધ્વજ :

પથકમાં મોટા ભગવા કે પથકના પોતાના લોગોવાળા વિશાળ ધ્વજ હોય છે જેને આઠથી ૧૨ ફુટ ઊંચા વાંસ કે પાઇપ પર લહેરાવવામાં આવે છે. ધ્વજપથકના સભ્યો ઢોલ-તાશાના તાલ પર આ ભારે ધ્વજોને હવામાં લહેરાવીને અદ્ભુત કરતબ અને નૃત્ય રજૂ કરે છે.

શંખ :

વાદન શરૂ કરતાં પહેલાં કે મહત્ત્વપૂર્ણ તાલ બદલતી વખતે પવિત્રતા અને મંગલતાના પ્રતીકરૂપે શંખનાદ કરવામાં આવે છે.

યે ઉન દિનોં કી બાત હૈ : ઢોલ-તાશાનો સમૃદ્ધ ઇતિહાસ

મરાઠા સામ્રાજ્યના સમયે ઢોલ, તાશા અને તુતારીનો ઉપયોગ રણમેદાનમાં સૈનિકોમાં જોશ પૂરવા, યુદ્ધ શરૂ કરવાનો સંકેત આપવા કે વિજયની ઘોષણા કરવા માટે થતો હતો. કિલ્લાઓ પર રક્ષકો કે દરબારમાં મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ કરતી વખતે પણ તાશા અને ઢોલનો ઉપયોગ થતો હતો. એ રીતે જોવા જઈએ તો ઢોલ અને તાશાનો ઇતિહાસ મહારાષ્ટ્રની યુદ્ધપરંપરા, લોકસંસ્કૃતિ અને છત્રપતિ શિવાજી મહારાજના કાળ સાથે જોડાયેલો છે. સમય જતાં આજના સ્વરૂપમાં ઢોલ-તાશા પથકની શરૂઆત ૧૯૬૦ના દશકમાં પુણેથી થઈ હતી, જેનું શ્રેય જ્ઞાન પ્રબોધિની સંસ્થાના સ્થાપક વિનાયકરાવ પેંડસેને જાય છે. અપ્પાસાહેબ તરીકે ઓળખાતા વિનાયકરાવે એ સમયે ગણેશોત્સવ કે વિસર્જન સરઘસોમાં ફિલ્મી ગીતો અને અનિયંત્રિત બૅન્ડવાજાંથી દૂર કરીને યુવાનોને શિસ્તબદ્ધ રીતે ભારતીય પારંપરિક વાદ્યો પ્રત્યે જાગૃતિ લાવવા પહેલું ઢોલ-તાશા પથક તૈયાર કર્યું હતું. સમય જતાં આ કલા મુંબઈ, નાશિક, નાગપુર અને સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ. આજે એ ભારતીય તહેવારો અને સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ચૂક્યું છે.

વિશ્વભરમાં ગુંજતો ઢોલ-તાશાનો વિજયનાદ

મહારાષ્ટ્રની વીરગાથા અને માયાનગરી મુંબઈના ઉત્સવોની ઓળખસમાન ઢોલ-તાશાની ગુંજ હવે ભારતની સીમાઓ ઓળંગીને સમગ્ર વિશ્વમાં વિજયી ડંકો વગાડી રહી છે. વિદેશમાં વસતા મરાઠી અને ભારતીય સમુદાયના સંસ્કૃતિપ્રેમી યુવાનોએ શિવમ ઢોલ-તાશા પથક, સ્વર્ણ ગણધર, ઑસ્ટ્રેલિયા અને દુબઈ ગર્જના પથક અને કૅનેડામાં ગણનાદ પથક જેવાં ઑર્ગેનાઇઝેશન્સ દ્વારા આ પરંપરાગત વાદ્યને ગ્લોબલ મંચ આપ્યો છે. અમેરિકાની શ્રેષ્ઠ સ્પોર્ટ્‍સ લીગ નૅશનલ બાસ્કેટબૉલ અસોસિએશનની ૨૦૨૫માં યોજાયેલી ટુર્નામેન્ટથી લઈને ૨૦૧૯ની ઐતિહાસિક હાઉડી મોદી રૅલી તેમ જ ૨૦૨૫ની અમેરિકી રાષ્ટ્રપતિની પદગ્રહણ પરેડ, ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજિત T20 મેન્સ વર્લ્ડ કપ જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ટ્રેડિશનલ વેશભૂષા, કેસરી ફેંટા અને નવવારી સાડીમાં સજ્જ વાદકોના શક્તિશાળી તાલબદ્ધ પ્રદર્શને વિદેશીઓને પણ મંત્રમુગ્ધ કર્યા છે. વૈશ્વિક સ્તરે TEDx જેવા મંચ પર સાંસ્કૃતિક એકતા અને એનર્જીનું પ્રતીક બની ચૂકેલું આ કલ્ચર દર્શાવે છે કે જ્યારે પરંપરા પૅશન બની જાય ત્યારે એ ૭ સમુદ્ર પાર પણ પોતાની માટીની મહેક અને વિરાસતનો નાદ ગુંજતો રાખે છે.

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 01:58 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK