ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કૌસાનીમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં એક સ્કૂલમાં ભૂતનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ સરકારી સ્કૂલ છે અને એમાં ભૂતો માટે ખાસ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સ્કૂલમાં બાળકો પાસેથી ૧૦૦-૧૦૦ રૂપિયા ઉઘરાવીને બનાવ્યું ભૂતનું મંદિર
ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કૌસાનીમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં એક સ્કૂલમાં ભૂતનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ સરકારી સ્કૂલ છે અને એમાં ભૂતો માટે ખાસ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરકાર સંચાલિત ઇન્ટર-કૉલેજ સ્કૂલમાં એક ભટકતા આત્માની દહેશત ફેલાઈ હતી. ભટકતા આત્માની શાંતિ માટે ખાસ આ મંદિર બનાવવામાં આવ્યું હતું.
સ્થાનિકોનો દાવો છે કે ૩૫ વર્ષ પહેલાં સ્કૂલની પાસે એક નેપાલી મજૂરનું મૃત્યુ થયું હતું. એ પછી બાળકોમાં ભયનો માહોલ રહે છે. મજૂરના મૃત્યુને હવે સાડાત્રણ દાયકાથી વધુ સમય જતો રહ્યો છે એમ છતાં લોકવાયકા અથવા તો નાના-મોટા અનુભવોને કારણે આજે પણ તે મરેલા મજૂરનો આત્મા સ્કૂલની આસપાસ ભટકતો હોવાનું મનાય છે. સ્કૂલના પ્રશાસને મજૂરના આત્માની શાંતિ માટે વિદ્યાર્થીઓ પાસેથી ૧૦૦-૧૦૦ રૂપિયા ઉઘરાવીને ૨૧,૮૦૦ રૂપિયાના ખર્ચે એક મંદિર બનાવડાવ્યું છે. હવે સ્થાનિકોનું કહેવું છે કે મંદિર બન્યા પછી તેમને પોતાનાં સંતાનોની સેફ્ટી બાબતે ઓછી ચિંતા થાય છે. જિલ્લાઅધિકારી આકાંક્ષા કોન્ડેએ આ મામલે તપાસ હાથ ધરી છે. સ્કૂલ-પરિસરમાં પહોંચીને તેમણે ખુદ તપાસ કરી હતી અને વધુ વિગતે અહેવાલ આપવા જણાવ્યું હતું.
