ડિવાઇસ બનાવવામાં અને સાથે ગોલ્ડ ફિશને ચોક્કસ હુકમ આપીને દોડતી કરી દેવાની તાલીમ આપવામાં આ ભાઈએ ખૂબ પાપડ વણ્યા હતા.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કેટલાય માણસોને ગાડી ચલાવતાં નથી આવડતું ત્યાં બ્લબ નામની એક ઇટાલિયન માછલીએ ગાડી ચલાવીને સૌને ચોંકાવી દીધા છે. બ્લબે ગાડી ચલાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. માછલી કદી ગાડી ચલાવી ન શકે એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એક માણસે એવી ટેક્નૉલૉજી તૈયાર કરી છે જેના થકી બ્લબે ગાડી ચલાવી હતી. વાત એમ છે કે નેધરલૅન્ડ્સના થૉમસ ડી. વુલ્ફ નામના ભાઈએ એક એવી મોશન સેન્સિંગ ગાડી તૈયાર કરી છે જે એમાં મૂકેલા ટચૂકડા ઍક્વેરિયમમાં મૂકેલી બ્લબની તરવાની ઝડપની સાથે ચાલે છે. મોશન સેન્સિંગ વેહિકલ હોવાથી માછલી જેટલી હલચલ કરે છે એટલી એ ગાડી આગળ વધે છે. આ ગાડી એના પર મૂકેલી ટૅન્ક ફિશમાં રહેલી ગોલ્ડ ફિશની મૂવમેન્ટ મુજબ આગળ વધે છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માટે ગોલ્ડ ફિશે એક વખતમાં ઓછામાં ઓછા ૧૫ ફુટ સુધી ગાડી ચલાવવાની હતી. જોકે બ્લબ ગોલ્ડ ફિશે અપેક્ષા કરતાં ઘણું વધારે સારું પર્ફોર્મ કર્યું. એણે એક મિનિટમાં કુલ ૪૦ ફુટથી વધુ દૂર ગાડી ખેંચી કાઢી. ગાડીમાં મોશન સેન્સિંગ કૅમેરા લાગેલા છે એટલે માછલી ટૅન્કમાં જે તરફ દોડે છે એ જ દિશામાં ગાડી પણ દોડે છે. આમ જુઓ તો આ ડિવાઇસનો કોઈ મતબલ નથી, પરંતુ ડિવાઇસ બનાવવામાં અને સાથે ગોલ્ડ ફિશને ચોક્કસ હુકમ આપીને દોડતી કરી દેવાની તાલીમ આપવામાં આ ભાઈએ ખૂબ પાપડ વણ્યા હતા.
