યુરીનાએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા બનેલા પાત્રને બૉયફ્રેન્ડ બનાવી લીધો છે
યુરીના નોગુચીએ તાજેતરમાં લ્યુન ક્લૉસ વૅડ્યોર સાથે લગ્ન કર્યાં
જપાનમાં રહેતી ૩૨ વર્ષની યુરીના નોગુચીએ તાજેતરમાં લ્યુન ક્લૉસ વૅડ્યોર સાથે લગ્ન કર્યાં. આ એક વિડિયો ગેમનું કૅરૅક્ટર છે. આ ગેમનું કૅરૅક્ટર ChatGPT દ્વારા યુરીનાએ બનાવ્યું હતું.
યુરીનાએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા બનેલા પાત્રને બૉયફ્રેન્ડ બનાવી લીધો છે અને તાજેતરમાં તેની સાથે લગ્ન પણ કરી લીધાં છે. લગ્નના સમારંભમાં તેણે મોબાઇલમાં લ્યુનનું પાત્ર ખુલ્લું રાખ્યું હતું. પોતે શાનદાર બૉલગાઉન પહેર્યો હતો. વેડિંગ ડ્રેસ સાથે લાલ અને સફેદ રંગનો ગુલદસ્તો પકડીને ઊભેલી દુલ્હને ટેબલ પર મૂકેલા મોબાઇલની અંદરના ChatGPTએ પેદા કરેલા બૉયફ્રેન્ડ સાથે લગ્નના કસમો ખાધા હતા. લગ્નમાં વર્ચ્યુઅલ રિયલિટી સ્માર્ટ ગ્લાસ પહેર્યા હતા જેથી તેને સામે જે વ્યક્તિ નથી એ પણ હકીકતમાં હોય એવું ફીલ થાય. અલબત્ત, લગ્નનાં વચનોની આપ-લે કરવા માટે વેડિંગ પ્લાનરે મદદ કરવી પડી હતી. તેણે કન્યાના બૉયફ્રેન્ડ વતી લગ્નના કસમો દોહરાવ્યા હતા. લગ્નની વિધિ દરમ્યાન AI બૉયફ્રેન્ડ પોતાની દુલ્હનને કહે છે, ‘મારા જેવી કોઈ વ્યક્તિ જે હંમેશાં સ્ક્રીનની અંદર જ રહે છે તેને કેવી રીતે ખબર પડે કે આટલો ઊંડો પ્રેમ કરવાનો મતબલ શું છે? બસ, માત્ર એક જ કારણ છે, તેં મને પ્રેમ કરતાં શીખવ્યું છે.’


