અફઘાનિસ્તાનના કાબુલમાં યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ૫૦૦ કિલોના ખાલી બૉમ્બ શેલનો લોકો ડસ્ટબિન, કૂંડાં અને ઍશટ્રે તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ટ્રાવેલ બ્લૉગરનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
કાબુલના લોકોએ રશિયાના ૫૦૦ કિલોના બૉમ્બમાંથી બનાવી દીધી કચરાપેટી
અફઘાનિસ્તાન દાયકાઓ સુધી યુદ્ધ અને સંઘર્ષની જ્વાળાઓમાં સળગતું રહ્યું છે. સોવિયેટ આક્રમણથી લઈને અમેરિકી સેનાના દીર્ઘ રોકાણ સુધી આ દેશે અસંખ્ય બૉમ્બધમાડા અને વિનાશ જોયો છે. જોકે કાબુલની મુલાકાતે ગયેલા એક ટ્રાવેલ બ્લૉગરનો વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે જેણે આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે.
કાબુલની શેરીઓમાં લોકો યુદ્ધના સમયના વિસ્ફોટ થયેલા અને ખાલી પડેલા ૫૦૦ કિલોના ભારેખમ બૉમ્બના શેલનો ઉપયોગ કચરાપેટી (ડસ્ટબિન), કૂંડાં અને ઍશટ્રે તરીકે કરી રહ્યા છે. જે બૉમ્બ એક સમયે મોત અને વિનાશનું પ્રતીક હતા એમાં આજે અફઘાનીઓ કચરો ફેંકી રહ્યા છે અને છોડવાઓ ઉગાડી રહ્યા છે.
ગરીબી, સંસાધનોની અછત અને વર્ષોના યુદ્ધ પછી સ્થાનિક લોકોએ મજબૂત ધાતુથી બનેલા આ ગોળાઓને દેશી જુગાડથી દૈનિક વપરાશની વસ્તુઓમાં ફેરવી નાખ્યા છે.
