Nepal Flash Floods: નેપાળ-તિબેટ પૂરની ભયાનક હોનારતમાંથી બચીને મુંબઈ પરત ફરી અભિનેત્રી માનસી પારેખ; એરપોર્ટ પર પતિ અને દીકરીને જોઈ ભાવુક થઈ; ભયાનક અનુભવ, ભૂસ્ખલન અને પૂરગ્રસ્ત સરહદી વિસ્તારોમાંથી પસાર થવાની પોતાની યાત્રાને "યુદ્ધ જીતવા" સમાન ગણાવી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ (Manasi Parekh) ચીન-નેપાળ સરહદ પર આવેલ ભારે પૂર (Nepal Flash Floods) અને ભૂસ્ખલન વચ્ચેથી બચીને રવિવાર, 30 ઓગસ્ટે સુરક્ષિત રીતે મુંબઈ (Mumbai) પોતાના ઘરે પરત ફર્યા છે. અભિનેત્રી સદગુરુના ઈશા ફાઉન્ડેશન (Isha Foundation) દ્વારા આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા (Kailash Mansarovar Yatra)નો ભાગ હતા. આ સમય દરમિયાન સરહદી વિસ્તારમાં ખરાબ હવામાન અને હિમનદીમાં પૂર આવવાના કારણે ભારે તારાજી સર્જાઈ હતી, જેમાં સેંકડો લોકો ગુમ થયા હતા અને ઘણા લોકોના મોત થયા હતા.
મુંબઈ એરપોર્ટ પર ભાવાત્મક મિલન
ADVERTISEMENT
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર માનસીના આગમનના દ્રશ્યો ખૂબ જ ભાવુક હતા. તેમણે પોતાના પતિ અને ગાયક પાર્થિવ ગોહિલ (Parthiv Gohil) તથા પુત્રી નિર્વી (Nirvi Gohil)ને ગળે લગાવ્યા હતા. દિવસો સુધી અનિશ્ચિતતા અને સંપર્ક કપાઈ ગયા પછી પરિવારના સભ્યો એકબીજાને જોઈને અશ્રુભીના થઈ ગયા હતા.
સોશિયલ મીડિયા પર પોતાના શુભેચ્છકો અને ચાહકોનો આભાર માનતા માનસીએ શેર કર્યું કે છેલ્લા કેટલાક દિવસો તેમના અને અન્ય યાત્રાળુઓ માટે ખૂબ જ તણાવપૂર્ણ રહ્યા હતા. તેમણે નોંધ્યું કે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને સતત ભૂસ્ખલનની ચેતવણીઓ વચ્ચે ચીન (China)માંથી બહાર નીકળીને નેપાળ (Nepal)ની સરહદે પહોંચવું એ યુદ્ધ જીતવા જેવું અનુભવાતું હતું.
ડૂબેલા કાયરોંગ પોર્ટ નજીકથી બચાવ
અભિનેત્રી માનસી પારેખ જ્યારે તિબેટ (Tibet)માં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તિબેટ-નેપાળ સરહદ પર આવેલ કાયરોંગ પોર્ટ વિસ્તારમાં અચાનક પૂર આવ્યું હતું. આ પૂરે આખા શહેરને ડૂબાડી દીધું હતું અને સ્થાનિક ઈમિગ્રેશન સુવિધાને નાશ કરી દીધી હતી. નિયત સમયપત્રકના કારણે તેમનું જૂથ ન્યુ ઝોંગબા ખાતે રોકાયું હોવાથી તેઓ આ હોનારતમાંથી બચી ગયા હતા. સરહદ પર જે સમયે પૂર આવ્યું તેના થોડા કલાકો પહેલા જ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
થોડાક દિવસ પહેલા ડીઝાસ્ટર ઝોનના વિડિયો શેર કરતા માનસીએ ખુલાસો કર્યો કે, તેઓ પાંચ દિવસ પહેલા જ તે સરહદી ચોકી પરથી પસાર થયા હતા. તેઓ અને લગભગ ૮૭ યાત્રાળુઓનું જૂથ સદગુરુ સાથે હોટેલમાં સુરક્ષિત રહ્યા હતા, પરંતુ તેમણે આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે નોંધ્યું કે, આ અચાનક આવેલા પૂરમાં તેમના કેટલાક સહ-યાત્રાળુઓ અને આ વિસ્તારના હજારો લોકો પ્રભાવિત થયા હતા.

માનસી પારેખની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
કાઠમંડુ સુધી ભૂસ્ખલન અને જોખમી બસ મુસાફરી
ચીનમાંથી બહાર નીકળવાની મુસાફરીનું વર્ણન કરતા માનસીએ જણાવ્યું કે, તિબેટના ન્યાલમ ખાતે મોટા ભૂસ્ખલનને કારણે તેમનું વાહન લગભગ ચાર કલાક સુધી ફસાયેલું રહ્યું હતું. રસ્તો સાફ થયા પછી તેઓ આગળ વધી શક્યા હતા. નેપાળ સરહદ સુધીની ૪૦ માઈલની મુસાફરી પૂર્ણ કર્યા પછી, અન્ય એક મોટા ભૂસ્ખલનને કારણે યાત્રાળુઓને વાહનમાંથી ઉતરીને ચાલીને કાટમાળ પાર કરવો પડ્યો હતો, જેથી તેઓ સામેની બાજુએ ઉભેલા વાહનો સુધી પહોંચી શકે.
સરહદથી આ જૂથે કાઠમંડુ પહોંચવા માટે ભારે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ચાર કલાકની બસ સફર કરી હતી અને ત્યાંથી ભારત માટે ફ્લાઈટ લીધી હતી. માનસીએ ભારપૂર્વક જણાવ્યું કે આ ભયાનક પરિસ્થિતિઓ છતાં, તેઓ ચીની સત્તાવાળાઓ, રાજદ્વારી મિશનો અને ઈશા ફાઉન્ડેશનના ખૂબ આભારી છે જેમણે તેમના સુરક્ષિત બચાવ માટે સંકલન કર્યું હતું.
માનસી પારેખ ઘરે સલામત પરત ફર્યા હોવાથી પરિવારજનો ખુબ જ ખુશ છે. અભિનેત્રી પોતાની યાત્રા વિશે સતત ફેન્સને સોશ્યલ મીડિયાના માધ્યમથી અપડેટ આપી રહ્યાં છે.
