૭૨ કલાક વૃક્ષને વળગી રહેવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવીને ફરી એક વાર લોકોમાં ચર્ચા જાગતી કરી છે કે જંગલો કપાતાં બચાવશો તો જ જીવન બચશે.
ટ્રફેના મુથોની
જળવાયુ પરિવર્તન બાબતે જાગૃતિ લાવવા માટે મથતી ટ્રફેના મુથોની નામની એક કાર્યકરે વૃક્ષો કેટલાં મહત્ત્વનાં છે એ સમજાવવા માટે વૃક્ષને વળગીને રહેવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાં તેણે કેન્યાના ન્યેરી શહેરમાં એક વૃક્ષને સતત ૪૮ કલાક વળગવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. જોકે લોકોને વારંવાર પર્યાવરણનું મહત્ત્વ સમજાવતા રહેવું પડે છે એવું માનતી ટ્રફેનાનું કહેવું છે કે જંગલો કપાઈ રહ્યાં છે એ બાબતે લોકોનું ધ્યાન ખેંચવું બહુ જરૂરી છે. આ વખતે તેણે પોતાના જ રેકૉર્ડને ઓળંગીને ૭૨ કલાક સુધી ઝાડને ભેટવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ માટે તેણે પહેરેલાં કપડાં પણ ચોક્કસ સંદેશો આપતાં હતાં. કાળો રંગ આફ્રિકાની શક્તિ, લીલો રંગ પુનર્જીવનની આશા, લાલ રંગ આદિવાસીઓનું સાહસ અને નીલો રંગ પાણી અને સમુદ્રની રક્ષાના પ્રતીક તરીકે વાપર્યા હતા. વૃક્ષને વળગી રહેવાના પ્રોજેક્ટ દરમ્યાન લગાતાર ૭૨ કલાક તે ઊભી રહી હતી અને વળગી રહી હતી. ૪૮ કલાક પછી તો તે એટલી થાકી ગઈ હતી કે તેને ઝોકાં આવી ગયાં હતાં. જોકે અન્ય કાર્યકરોએ તેને વાતો કરીને જગાડી હતી. ટ્રફેનાએ ૭૨ કલાક વૃક્ષને વળગી રહેવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવીને ફરી એક વાર લોકોમાં ચર્ચા જાગતી કરી છે કે જંગલો કપાતાં બચાવશો તો જ જીવન બચશે.


