મોનિકાએ પોતાનો એક્સ-રે શૅર કરીને લખ્યું હતું કે આ ધાતુનો ટુકડો તેના ફેફસામાંથી નીકળતી મુખ્ય ધમનીથી માત્ર ૦.૫ મિલીમીટર દૂર હતો
એક્સ-રેમાં ફેફસાંની વચ્ચે તેની નાકની ચૂંક ફસાયેલી જોવા મળી હતી
મેક્સિકોમાં ૨૬ વર્ષની મોનિકા કાબરેરા નામની યુવતીએ ટિકટૉક પર પોતાની સાથે ઘટેલી અજીબોગરીબ ઘટના શૅર કરી હતી. આ બહેનને ઘણા સમયથી ખાંસી અને કફ હતાં. કફ સુકાવવાની ઓવર-ધ-કાઉન્ટર દવાઓ લીધા પછી પણ સારું ન લાગતાં બહેન ડૉક્ટર પાસે ગયાં. લાંબા સમયથી ખાંસી અને કફ હોવાથી ડૉક્ટરે ચેસ્ટનો એક્સ-રે કરવાનું કહ્યું. એક્સ-રેમાં ફેફસાંની વચ્ચે તેની નાકની ચૂંક ફસાયેલી જોવા મળી હતી. મોનિકાએ પોતાનો એક્સ-રે શૅર કરીને લખ્યું હતું કે આ ધાતુનો ટુકડો તેના ફેફસામાંથી નીકળતી મુખ્ય ધમનીથી માત્ર ૦.૫ મિલીમીટર દૂર હતો. હું કદાચ પીઠ પર સૂતી હતી ત્યારે નાકમાં લગાવેલી આ રિંગ અંદર ઊતરી ગઈ એની મને ખબર પણ નહોતી. ડૉક્ટરોએ સર્જરી કરીને આ ચૂંક કાઢી હતી. જોકે એ ફેફસા અને હૃદય પાસે એવી જગ્યાએ હતી કે સર્જરીના ટેબલ પર કંઈ પણ થઈ શકે એમ હતું. મોનિકા કહે છે કે સર્જરી પહેલાં મેં પરિવારને વિદાય કરતો પત્ર લખી નાખ્યો હતો, પણ ભગવાને મને બચાવી લીધી.
