મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ચારણ ગામમાં મસાલાનો વેપારી દેવકૃષ્ણ પુરોહિત રાતે સૂતો હતો ત્યારે ઘરમાં ઘૂસીને કોઈકે તેની હત્યા કરી નાખી હતી. વાત એમ હતી કે દેવકૃષ્ણની પત્ની પ્રિયંકા પુરોહિતને કમલેશ નામના બીજા કોઈ યુવક સાથે ચક્કર હતું.
પોતે જ સુપારી આપીને પતિને મરાવ્યો અને પછી રોકકળ કરીને ફરિયાદ નોંધાવી
મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ચારણ ગામમાં મસાલાનો વેપારી દેવકૃષ્ણ પુરોહિત રાતે સૂતો હતો ત્યારે ઘરમાં ઘૂસીને કોઈકે તેની હત્યા કરી નાખી હતી. વાત એમ હતી કે દેવકૃષ્ણની પત્ની પ્રિયંકા પુરોહિતને કમલેશ નામના બીજા કોઈ યુવક સાથે ચક્કર હતું. બન્નેની પ્રેમકહાણીમાં દેવકૃષ્ણ નડતો હતો. અત્યાર સુધી છાનો રાખેલો પ્રેમસંબંધ થોડા દિવસ પહેલાં જ પતિ સામે ઉજાગર થઈ ગયો હતો. એવામાં પ્રિયંકા અને તેના પ્રેમી કમલેશે દેવકૃષ્ણને મારવાનો પ્લાન બનાવ્યો હતો. રાતે ચોર ઘરમાં ઘૂસીને દેવકૃષ્ણને મારી ગયો એવો પ્લાન રચાયો હતો. હત્યારો કામ પતાવીને નીકળી ગયો એ પછી પ્રિયંકાએ રોકકળ મચાવીને પોતાની નજર સામે કોઈ હત્યા કરીને જતું રહ્યું એનું ગાણું ગાયું. તેણે કહ્યું કે હત્યારાએ તેના હાથ બાંધી દીધા હતા અને તેનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. આ ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ તો તેણે ધીમે-ધીમે કરીને કેસ ઉકેલ્યો અને જે હકીકત બહાર આવી એ રૂંવાડાં ખડાં કરી દે એવી હતી, કેમ કે આ હત્યાની માસ્ટર માઇન્ડ પ્રિયંકા જ હતી. થોડા સમય પહેલાં તે પતિ સાથે ઝઘડો કરીને પોતાના પિયર રહેવા જતી રહી હતી, પણ પ્રેમપ્રકરણ જાહેર થતાં તે પાછી આવી ગઈ અને પતિ સાથે પ્રેમથી રહેવાનું નાટક કરવા લાગી. છેલ્લા દસેક દિવસથી તેણે ઘરના દરવાજા, લૉકની સિસ્ટમમાં એવી ગરબડ કરી કે એ કોઈ પણ વ્યક્તિ ખોલી નાખી શકે અને કોઈને શક પણ ન જાય. હત્યા માટે તેણે સુપારી કિલરને કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. એક વાર તો સુપારી કિલર ફરી ગયો અને કામની ના પાડી દીધી તો કિંમત પણ વધારી આપી. પોલીસને શંકા છે કે તેણે ઘટનાની રાતે પતિ અને પરિવારજનોને કોઈ નશીલી કે ઊંઘની દવા પણ આપી હશે જેથી પતિ સામેથી પ્રતિકાર ન કરી શકે અને પરિવારજનો અવાજથી જાગી ન જાય. આ આખી ઘટનાની જાણ પ્રિયંકા અને તેના પ્રેમી કમલેશની વૉટ્સઍપ-ચૅટ પરથી પોલીસને થઈ હતી.
