ગુરુવારે ભરબપોરે આ ઘટના બની હતી. સત્યભાન નામનો યુવક મજૂરીકામ માટે ગયો હતો ત્યારે તેની પત્ની પ્રીતિ અને ૧૦ મહિનાની દીકરી ચાંદની ઘરમાં હતાં
૧૦ મહિનાની ચાંદની જેનું મૃત્યુ થઈ ગયું છે
રાજસ્થાનના ભરતપુરમાં ૧૦ મહિનાની એક બાળકી રમતાં-રમતાં દૂધના મોટા તપેલામાં પડી જતાં મરી ગઈ હતી. ગુરુવારે ભરબપોરે આ ઘટના બની હતી. સત્યભાન નામનો યુવક મજૂરીકામ માટે ગયો હતો ત્યારે તેની પત્ની પ્રીતિ અને ૧૦ મહિનાની દીકરી ચાંદની ઘરમાં હતાં. બપોરે ચાંદની પથારી પર રમી રહી હતી અને પ્રીતિએ એક મોટા તપેલામાં દૂધ ગરમ કર્યું હતું અને પછી બેડ પાસે ઠંડું કરવા મૂક્યું હતું. એ પછી પ્રીતિ આંગણામાં કામ કરતાં-કરતાં ઘરની બહાર ગઈ અને ચાંદની રૂમમાં એકલી રમતી હતી. અચાનક રમતાં-રમતાં ચાંદની પલંગ પરથી દૂધના તપેલામાં પડી ગઈ હતી. ગરમાગરમ દૂધમાં પડતાં જ ચાંદની જોરજોરથી રડવા લાગી. અવાજ સાંભળીને તરત પ્રીતિ ઘરમાં ગઈ તો ચાંદની ચહેરાથી પગ સુધી દાઝી ગઈ હતી. કદાચ ગરમાગરમ દૂધ મોઢામાં પણ જતું રહ્યું હોવાથી તેનું રડવાનું પણ બંધ થઈ ગયું હતું. તરત પ્રીતિ પતિને બોલાવીને દીકરીને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં આંતરિક સોજાને કારણે ચાંદનીના શ્વાસ બંધ થઈ ગયા હતા.
