મેરઠની મુસ્કાન જેવો જ કાંડ કર્યો સંભલની પત્નીએ, હજી મેરઠનો મુસ્કાનકાંડ માંડ ભુલાયો છે ત્યાં સંભલના ચંદૌસી ગામમાં આવો જ રૂંવાડાં ઊભાં કરી દે એવો હત્યાનો બનાવ બન્યો છે. અહીં પણ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મારી નાખ્યો.
મેરઠની મુસ્કાન જેવો જ કાંડ કર્યો સંભલની પત્નીએ
હજી મેરઠનો મુસ્કાનકાંડ માંડ ભુલાયો છે ત્યાં સંભલના ચંદૌસી ગામમાં આવો જ રૂંવાડાં ઊભાં કરી દે એવો હત્યાનો બનાવ બન્યો છે. અહીં પણ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મારી નાખ્યો. એટલું જ નહીં, લાશને કસાઈની જેમ કાપીને કટકા કર્યા અને પ્લાસ્ટિકની બૅગમાં ભરીને એ ટુકડા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફેંકી દીધા. ગઈ કાલે સંભલની મસ્જિદની બહાર એક યુવકના શબના ટુકડા ભરેલી થેલી મળતાં આ ઘટના બહાર આવી હતી. અંગના ટુકડા હતા પણ માથું નહોતું એટલે શબની ઓળખ કરવાનું પડકારજનક હતું, પરંતુ પોલીસને હાથ પર લખેલા નામ પરથી મહત્ત્વનો સુરાગ મળ્યો હતો અને એના પરથી ખબર પડી કે એ ચુન્ની ગામનો રાહુલ છે. ૧૮ નવેમ્બરે રાહુલની પત્ની રુબીએ સામે ચાલીને પોતાનો પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. શબના ટુકડા મળ્યા પછી પોલીસે રુબીની કડક ઊલટતપાસ કરી હતી. જોકે તેના જવાબોમાં કડીઓ સંધાતી નહોતી એટલે પોલીસને રુબી પર જ શક ગયો. તેના પ્રેમી ગૌરવ વિશે પણ જાણવા મળ્યું, પરંતુ તેણે પણ કંઈક ભળતી જ સ્ટોરી બનાવી. એટલે પોલીસે બન્નેને પકડી લીધાં હતાં. એ પછી રુબીએ સ્વીકારી લીધું કે તેણે જ પતિને મારીને તેના ટુકડા કરીને ફેંકી દીધા હતા. પોલીસની ફૉરેન્સિક ટીમ યુવકના ઘરે જઈને પુરાવા એકત્ર કરી રહી છે. તેમને શંકા છે કે હત્યા ઘરની અંદર જ કરવામાં આવી હશે. હવે પોલીસે રાહુલના શબના બીજા હિસ્સા એકત્ર કરવા માટે આસપાસના વિસ્તારમાં સઘન તપાસ અભિયાન હાથ ધર્યું છે.


