આ મહિલા રોજ ૬.૪૫થી ૭ વાગ્યાની વચ્ચે ઑફિસ પહોંચી જતી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઑફિસે મોડા આવવાની આદત હોય અને મૅનેજર તમને ખખડાવે એ સમજાય, પણ જો તમે રોજ સમય કરતાં વહેલા પહોંચતા હો એમ છતાં કંપની તમને પાણીચું પકડાવી દે તો? સ્પેનમાં આવું બન્યું છે એક મહિલા સાથે. બાવીસ વર્ષથી એક જ કંપનીમાં કામ કરતી આ મહિલાની શિફ્ટ મુજબ તેણે રોજ સવારે સાડાસાત વાગ્યે ઑફિસનું કામ કરવાનું શરૂ કરવાનું હતું. જોકે આ મહિલા રોજ ૬.૪૫થી ૭ વાગ્યાની વચ્ચે ઑફિસ પહોંચી જતી હતી. તે પોતાના સહકર્મચારીઓ કરતાં વહેલા જ તેની શિફ્ટ શરૂ કરી દેતી હતી. જોકે એનાથી તેનો મૅનેજર અને કંપની નાખુશ હતાં. ૨૦૨૩ની સાલમાં પહેલી વાર આ મહિલાને તેના મૅનેજરે નોટિસ આપી અને ઑફિસમાં વહેલા ન આવવાનું કહેવામાં આવ્યું. એમ છતાં આ મહિલા માની નહીં. તે ઑલમોસ્ટ રોજ વહેલી જ ઑફિસે આવી જતી. કંપનીએ તેને મૅનેજરના હુકમને ન માનવા માટે દોષી ઠેરવી અને અશિસ્તનું કારણ આપીને નોકરીમાંથી છૂટી કરી દીધી. કંપનીનું કહેવું હતું કે કર્મચારી સમય કરતાં વહેલા આવે છે એની કોઈ જરૂરિયાત નથી અને એનાથી કંપનીને કોઈ વિશેષ યોગદાન નથી મળી રહ્યું. વહેલા આવવા બદલ પાણીચું મળતાં મહિલાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોર્ટમાં કંપનીએ રજૂઆત કરી કે ‘કર્મચારીને વારંવાર કહેવામાં આવ્યું હતું કે તેણે શિફ્ટના સમય મુજબ જ આવવું, વહેલા નહીં. એમ છતાં તેણે તેના મૅનેજરના નિર્દેશની સદંતર અવહેલના કરી હતી એ એક પ્રકારની અશિસ્ત જ છે. આ અશિસ્ત કંપની કોઈ કાળે ચલાવી શકે એમ નથી.’ નવાઈની વાત એ છે કે કોર્ટે પણ શિસ્ત-અશિસ્તના મામલે કંપનીને જ સાચી ઠેરવીને કહ્યું કે કંપનીના નિર્દેશને ન માનવો એ વિશ્વાસ અને વફાદારીની નિશાની નથી.


