ભારત પહેલી વાર આ પ્રજાતિની બકરીઓને સામેલ કરી રહ્યું છે
ઓછા ખર્ચમાં વધુ દૂધ આપતી આ બકરીને મહાત્મા ગાંધી ‘ગરીબોની ગાય’ કહેતા હતા.
દૂધની રાણી તરીકે ફેમસ સ્વિટ્ઝરલૅન્ડની ‘સાનેન’ પ્રજાતિની ફેમસ બકરી હવે જમ્મુ-કાશ્મીરમાં નવી ક્રાન્તિ લાવવા માટે તૈયાર છે. શેર-એ-કાશ્મીર કૃષિ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોની આવક વધારવા અને દૂધનું ઉત્પાદન વધારવાના હેતુથી આ બકરીઓને કાશ્મીરમાં લાવવામાં આવી છે. મુખ્ય પ્રોજેક્ટ રિસર્ચર ડૉ. પરવેઝ અહમદ રેશીનું કહેવું છે કે પહેલા તબક્કાના પ્રયોગ અંતર્ગત સાતથી ૮ મહિનાની ૨૦ માદા અને ૪ નર ‘સાનેન’ બકરીઓ સ્વિટ્ઝરલૅન્ડથી ખરીદવામાં આવી છે. ભારત પહેલી વાર આ પ્રજાતિની બકરીઓને સામેલ કરી રહ્યું છે. કહેવાય છે કે સૌથી પહેલાં મહાત્મા ગાંધી આ પ્રજાતિની બકરી સ્વિટ્ઝરલૅન્ડથી ભારત લઈને આવ્યા હતા. ઓછા ખર્ચમાં વધુ દૂધ આપતી આ બકરીને મહાત્મા ગાંધી ‘ગરીબોની ગાય’ કહેતા હતા. આ એક બકરી ગાયની જેમ રોજનું ૭ લિટર જેટલું દૂધ આપે છે. બકરીનું દૂધ ખૂબ ગુણકારી હોય છે અને હવે બકરીના દૂધની ડિમાન્ડ વધી હોવાથી પશુપાલકો માટે આ બકરીઓ ફાયદો કરાવનારી રહેશે.
