નાક્કા ઇન્દ્રૈયા નામના આ કાકાએ બે વર્ષ પહેલાં ૧૨ લાખ રૂપિયાના ખર્ચે પોતાને માટે કબર બનાવવાની શરૂઆત કરી હતી
નાક્કા ઇન્દ્રૈયા
તેલંગણના લક્ષ્મીપુર ગામમાં રહેતા ૮૦ વર્ષના બુઝુર્ગ સમાચારોમાં ચમક્યા છે. નાક્કા ઇન્દ્રૈયા નામના આ કાકાએ બે વર્ષ પહેલાં ૧૨ લાખ રૂપિયાના ખર્ચે પોતાને માટે કબર બનાવવાની શરૂઆત કરી હતી. ૫X૬ ફુટની આ કબર સામાન્ય નથી, પણ ગ્રેનાઇટથી બનાવાઈ છે. તેમણે પોતાની આ કબર તેમની સ્વર્ગસ્થ પત્નીની કબરની બાજુમાં જ બનાવડાવી છે. બન્ને કબરની આસપાસ તેમણે નાનકડો બગીચાે તૈયાર કર્યો છે. અહીં નાક્કાભાઈ દરરોજ આવે છે, સાફસફાઈ કરે છે, છોડને પાણી પાય છે, કબરના ગ્રેનાઇટના પથ્થરોને પૉલિશ કરે છે અને થોડી વાર શાંતિથી બેસીને પછી ઘરે ચાલ્યા જાય છે.
નાક્કા ઇન્દ્રૈયાનું કહેવું છે કે ‘આ મકબરો તો મારું ઘર છે. મૃત્યુ પછી હું અહીં જ રહેવાનો છું, એટલે મેં મને ગમતી ડિઝાઇનમાં એ બનાવડાવ્યો છે. મારે કોઈના પર ભારરૂપ નહોતું બનવું એટલે મારું અંતિમ સ્થાન મેં જાતે જ નક્કી કરી લીધું છે. મૃત્યુથી ડરવાની શી જરૂર, બધાએ એક દિવસ મરવાનું જ છે, હું પણ મરીશ. મને ખબર છે કે મૃત્યુ પછી હું ક્યાં દફન હોઈશ.’
ADVERTISEMENT
નિવૃત્તિ પહેલાં કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા નાક્કા ઇન્દ્રૈયાનાં બે સંતાનો છે. તેમણે જીવનમાં અનેક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. આ મકબરાને તેઓ પોતાનો છેલ્લો પ્રોજેક્ટ ગણાવે છે. લક્ષ્મીપુર ગામમાં તેમણે મકાનો ઉપરાંત એક સ્કૂલ અને એક ચર્ચ પણ બનાવ્યાં છે.


