ગડિયા લોહાર સમાજમાં જ્યારે સમાજની કોઈ બુઝુર્ગ અને મોભાદાર વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે આખો સમાજ આ રીતે તેને વિદાય આપે છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
રાજસ્થાનના અલવરમાં ગડિયા લોહાર સમાજના ૯૦ વર્ષના એક બુઝુર્ગનું મૃત્યુ થયું હતું. આ દાદાના પાર્થિવ દેહની અંતિમયાત્રા એટલી સજીધજીને નીકળી હતી કે લોકો જોતા રહી ગયા. યાત્રામાં હાથી, ઘોડા અને ઊંટનું સરઘસ નીકળ્યું હતું અને સાથે ડીજેવાલે બાબુ તેમના સમાજનાં પરંપરાગત ગીતોની ધૂમ મચાવી રહ્યા હતા. દાદાના પરિવારજનો એ ધૂન પર ડાન્સ કરીને મજા કરી રહ્યા હતા. જાણે લાગે જ નહીં કે આ કોઈની જાન નહીં પણ અંતિમયાત્રા છે. પાર્થિવ દેહને પણ સજાવીને મૂકવામાં આવ્યો હતો. નવાં કપડાં, પાઘડી અને કાળાં ચશ્માંથી દાદાને પાલખીમાં બેસાડવામાં આવ્યા હતા. ઘરથી સ્મશાનગૃહ સુધીની સફર એટલી અનોખી રહી કે કોઈને એમાં ન તો રડવું આવ્યું, ન કોઈએ કોઈ છાજિયું લીધું. સમાજના સ્વયંસેવકોએ મળીને આ કામ હાથ ધર્યું હતું. એમાં શિષ્ટતાની સાથે અંતિમયાત્રાને એક ઉત્સવની જેમ મનાવી હતી અને સ્મશાનમાં જઈને હૅપી વિદાય આપી હતી. ગડિયા લોહાર સમાજમાં જ્યારે સમાજની કોઈ બુઝુર્ગ અને મોભાદાર વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે આખો સમાજ આ રીતે તેને વિદાય આપે છે.


