આરોપીને ઘરની તિજોરીની ચાવીઓની ખબર હોવાથી મોકાનો લાભ લઈને રોકડ અને સોનું ચોરી લીધાં હતાં
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સુરતના રાંદેર રામનગર ચાર રસ્તા પાસેથી ત્રીજી ડિસેમ્બરે પોલીસને એક બિનવારસી બાઇક મળી હતી. એની ડિકીમાં ૨.૬૯ લાખ રૂપિયા રોકડા હતા. રાંદેર પોલીસે આ બાઇકની નંબરપ્લેટ પરથી કતારગામમાં રહેતા દક્ષેશ પટેલને શોધી કાઢ્યો હતો. પોલીસે જ્યારે દક્ષેશને બાઇક વિશે પૂછ્યું ત્યારે દક્ષેશે વાર્તા ઘડી કાઢીને કહ્યું કે તેની તબિયત બગડી ગઈ હોવાથી તે ક્યાંક બાઇક મૂકીને ઘરે આવી ગયો હતો અને પછી ક્યાં બાઇક મૂકેલી એ ભૂલી ગયો હતો. તેની બાઇકમાં દીકરાની કૉલેજની ફી ભરવાના પૈસા હતા. પોલીસને એમાં દક્ષેશની મજબૂરી દેખાઈ. તેને પોલીસ-સ્ટેશને બોલાવીને કોઈ જ ક્રૉસ વેરિફિકેશન વિના વિડિયો શૂટ કરીને બાઇક અને પૈસા આપી દીધાં. પોલીસે પોતે આ કામની વાહવાહી મેળવવા સોશ્યલ મીડિયા પર આ વિડિયો મૂક્યો. આ વિડિયો દક્ષેશના મકાનમાલિક આકાશે જોયો. તેને સવાલ થયો કે ત્રણ મહિનાથી ઘરનું ભાડું ન આપનાર ભાડૂત પાસે આટલાબધા રૂપિયા ક્યાંથી આવ્યા? તેણે પોતાના ઘરમાં તપાસ કરી તો ખબર પડી કે તેણે વતનનું ઘર વેચ્યા પછી મળેલા ૩.૫૫ લાખ રૂપિયા રોકડા અને ૨૦ ગ્રામ સોનું ગાયબ હતાં. આકાશે કતારગામ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને દક્ષેશ પર ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી. આરોપીને ઘરની તિજોરીની ચાવીઓની ખબર હોવાથી મોકાનો લાભ લઈને રોકડ અને સોનું ચોરી લીધાં હતાં. પોલીસે કડક પૂછપરછ કરતાં દક્ષેશે એ વાત કબૂલી લીધી હતી.


