હવે આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ હરણ કે અન્ય પ્રાણીનો અકસ્માત થાય તો પોલીસ પહેલાં કીથને ફોન કરે છે. કીથ ૩૦ મિનિટમાં જ શબ ઉઠાવીને એને ઘરે લઈને ફ્રીઝરમાં રાખી દે છે.
કીથ મૅકકૉર્મિક
વિશ્વમાં મોટા ભાગના દેશોમાં માંસાહાર જ મુખ્ય જીવનશૈલી છે. જોકે પશુઓને મારીને એમનું ભોજન કરવા બાબતે સંવેદનશીલતા ધરાવતા લોકો હવે નવો વિકલ્પ અપનાવવા લાગ્યા છે. આવા લોકો અકસ્માતમાં મૃત્યુ પામેલાં જાનવરોને ખાય છે. અમેરિકાના અલાસ્કામાં રહેતો એક પરિવાર વર્ષોથી રોડ-અકસ્માતોમાં મૃત્યુ પામેલા જીવોનું માંસ ખાઈને જીવે છે. થોડા સમય પહેલાં એક વિડિયોમાં તેના કીથ મૅકકૉર્મિક નામના ભાઈએ પોતાના આ નવા શિરસ્તા વિશે શૅર કર્યું હતું. તેનું કહેવું છે કે રોડ-અકસ્માતમાં મૃત્યુ પામેલાં પશુઓને સન્માન આપવાનો એક રસ્તો છે કે તમે એમને અપનાવો. એમના માંસને સારી રીતે પ્રોસેસ કરીને અને સાફ કરીને ખાવામાં આવે તો એ જીવસૃષ્ટિ પર મોટી કૃપા છે. એમ કરવાથી મૃત્યુ પામનાર જીવ પ્રત્યે તેઓ સન્માન વ્યક્ત કરે છે. બીજું, પશુનો ઉછેર એને મારીને ખાવા માટે કરવો એ અતિક્રૂર બાબત છે. કીથ પોતે મનોચિકિત્સક છે અને તેઓ ખુદ અને પોતાના પરિવારને રોડ પર મરી ગયેલાં પ્રાણીઓનું માંસ ખાય છે અને ખવડાવે છે. એક મૃત હરણમાંથી એટલું માંસ મળી રહે છે જેનાથી તેમના આખા પરિવારનું મહિનાઓ સુધી પેટ ભરાય છે. તેમની આ આદત એટલી ફેમસ છે કે હવે આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ હરણ કે અન્ય પ્રાણીનો અકસ્માત થાય તો પોલીસ પહેલાં કીથને ફોન કરે છે. કીથ ૩૦ મિનિટમાં જ શબ ઉઠાવીને એને ઘરે લઈને ફ્રીઝરમાં રાખી દે છે.


