શનિબહેને એ વખતે તો કંઈ ન કહ્યું, પરંતુ ઘરે ગયા પછી ચોતરફ ભૂકંપ સિવાય બીજી કોઈ વાત જ નહોતી થતી એટલે તેમણે પણ આખરે દીકરાનું નામ ભૂકંપ રાખી દીધું
ભૂકંપભાઈ રબારી
૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ કચ્છની ધરતી ધણધણી ઊઠતાં આખું કચ્છ જાણે હતું ન હતું થઈ ગયેલું. એ દિવસે કચ્છમાં શનિબહેન રબારી નામનાં પ્રેગ્નન્ટ બહેન વહેલી સવારે ખેતરે ગયેલાં. ખેતરમાં જ પ્રસવની પીડા થતાં તેઓ પાછાં ઘરે આવી ગયાં. ૮.૪૦ વાગ્યે ભૂકંપ આવ્યો અને એની પાંચ મિનિટ પછી તેમને દીકરો અવતર્યો. નસીબથી શનિબહેનનું ઘર ભૂકંપમાં બચી ગયું હતું. ચોતરફ હાલત એટલી ખરાબ હતી કે લોકો ઘાયલોના બચાવકાર્યમાં લાગેલા હતા અને તેમને ડિલિવરી પછી જરૂરી સારવાર પણ નહોતી મળી. આપદા માટે અમેરિકાથી આવેલા એક ડૉક્ટરે રાહત-કૅમ્પમાં શનિબહેનની સારવાર કરી ત્યારે તેમણે સૂચન કરેલું કે ભૂકંપના દિવસે આવેલા દીકરાનું નામ ભૂકંપ રાખી દો. શનિબહેને એ વખતે તો કંઈ ન કહ્યું, પરંતુ ઘરે ગયા પછી ચોતરફ ભૂકંપ સિવાય બીજી કોઈ વાત જ નહોતી થતી એટલે તેમણે પણ આખરે દીકરાનું નામ ભૂકંપ રાખી દીધું. આજે તેમનો ભૂકંપ નામનો દીકરો પચીસ વર્ષનો થઈ ગયો છે. ભૂકંપ અત્યારે એક કંપનીમાં ડ્રાઇવરની નોકરી કરે છે. તે નાનો હતો ત્યારે તેને બહુ નવાઈ લાગતી હતી કે લોકો જે ભૂકંપથી બહુ ડરે છે એવું નામ તેનું કેમ રાખ્યું હશે? પણ અમેરિકન ડૉક્ટરે આ નામ રાખ્યું છે એ ખબર પડ્યા પછી તેને વાંધો નથી.


