અમેરિકાના ડેવિડ રશે 125 ટી-શર્ટ પહેરીને મેરેથોન દોડવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 19.5 કિલો વજન સાથે તેણે 42.2 કિમીની દોડ 5 કલાક 54 મિનિટ 50 સેકન્ડમાં પૂર્ણ કરી. ભારે ગરમી અને મુશ્કેલી વચ્ચે પણ તેણે આ અનોખો પડકાર સફળતાપૂર્વક પૂરો કર્યો.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ડેવિડ રશ
અમેરિકાનો ડેવિડ રશ નામનો માણસ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવાનો ગાંડો શોખ ધરાવે છે. અઢળક અળવીતરા કહેવાય એવા સ્ટન્ટ્સ કરીને તેણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા છે. તાજેતરમાં તેણે ૧૨૫ ટી-શર્ટ પહેરીને મૅરથૉન દોડવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. ૧૨૫ ટી-શર્ટનું વજન ૧૯.૫ કિલો થઈ ગયું હતું. એટલા વજન સાથે તેણે ૪૨.૨ કિલોમીટરની દોડ છ કલાકની અંદર પૂરી કરવાની હતી. ડેવિડે આ પડકાર ઝીલી લીધો હતો અને પાંચ કલાક ૫૪ મિનિટ ૫૦ સેકન્ડમાં મૅરથૉન પૂરી કરી હતી. શરીર પર ભારે વજન અને ખૂબબધાં કપડાંના લેયર આવી જવાથી દોડ દરમ્યાન તેનું શરીર ખૂબ ગરમ થઈ ગયું હતું. વચ્ચે રસ્તામાં બરફ લઈને કપડાંની અંદર નાખી દેવામાં આવ્યો હતો જેથી શરીરનું તાપમાન ઠંડું પડે. જો એમ ન કર્યું હોત તો અધવચ્ચે જ દોડ રોકીને હૉસ્પિટલ ભેગા થવાનો વારો આવે એમ હતો. જોકે જ્યારે તેણે મૅરથૉન પૂરી કરી અને કપડાં કાઢ્યાં ત્યારે શરીર પર કપડાં ઘસાવાને કારણે ઘસરકા પડી ગયા હતા. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે ડેવિડ રશના આ કારનામાને રેકૉર્ડ તરીકેની પુષ્ટિ ૧૦ જુલાઈએ આપી હતી. આ પહેલાં ૧૦૦ ટી-શર્ટ પહેરીને મૅરથૉન દોડવાનો રેકૉર્ડ હતો, જે ડેવિડ રશે તોડ્યો છે.
