Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આજનું પેરન્ટિંગ હકીકતમાં સીમાડા પર થતા પૅટ્રોલિંગ જેવી જવાબદારીવાળું છે

આજનું પેરન્ટિંગ હકીકતમાં સીમાડા પર થતા પૅટ્રોલિંગ જેવી જવાબદારીવાળું છે

Published : 21 July, 2026 05:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આધુનિક પેરન્ટિંગમાં માત્ર સ્વતંત્રતા નહીં, પણ અનુશાસન, મૂલ્યશિક્ષણ અને ડિજિટલ સંતુલન પણ એટલાં જ જરૂરી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રેમ સાથે મર્યાદા, જવાબદારી અને યોગ્ય માર્ગદર્શન કેવી રીતે જરૂરી છે તે સમજાવતો વિચારપ્રેરક લેખ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પેરન્ટિંગ આજના સમયનો એક મોટો પડકાર છે. દુનિયાભરના દેશોમાં પોતપોતાની ચાઇલ્ડ અપબ્રિન્ગિંગ અંગેની થિયરી છે. અમેરિકાની જેન્ટલ પેરન્ટિંગની સિસ્ટમ ઘણા દેશો લાગુ કરી રહ્યા છે જેમાં બાળકને પૂરું સ્વાતંત્ર્ય અપાય છે. પેરન્ટિંગ માટે એકંદરે ફ્રાન્સ વખણાય છે. એની પરંપરાગત પદ્ધતિથી થતા બાળઉછેરમાં બાળકોમાં વિનય અને નમ્રતા જેવા ગુણો ખીલવવામાં મદદ મળતી. થોડા સમયથી પોતાની પરંપરાગત સિસ્ટમથી ખસીને અમેરિકાની જેન્ટલ પેરન્ટિંગ સિસ્ટમ ત્યાં દાખલ થઈ, જેનાં પરિણામો સારાં નથી આવ્યાં.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ કહે છે કે આ નવી સિસ્ટમમાં બાળકો કોઈ ચીજમાં ‘ના’ સાંભળવા તૈયાર નથી થતાં. ભૂલ કરે તે બાળક ખરું, પણ તેની ભૂલનો અહેસાસ કરાવીને તેને સુધારવું એ વાલીની ફરજ છે. કંપની પોતાના એમ્પ્લૉઈ માટે કડક નિયમો રાખે છે એ બંધન નથી પણ એફિશ્યન્સી પ્રમાણે આઉટપુટ લેવાની એક રીત છે. આ જ વાત પેરન્ટિંગમાં પણ લાગુ પડે છે. આજે સ્કૂલોમાં ટીચરો પ્રિન્સિપાલથી ગભરાય, પ્રિન્સિપાલ મૅનેજમેન્ટથી ગભરાય, મૅનેજમેન્ટ પેરન્ટ્સથી ગભરાય, પેરન્ટ્સ સંતાનોથી ગભરાય અને સંતાનો? સંતાનો કોઈનાથી ન ગભરાય. આ સ્થિતિમાં અનુશાસન જરૂરી છે. અનુશાસન એ સ્વતંત્રતા કે પ્રગતિનું વિરોધી નથી, એનું પૂરક છે. 
અત્યારે જુવેનાઇલ ક્રાઇમ વધી રહ્યા છે, કારણ કે બાળસંસ્કરણ અને મૂલ્યશિક્ષણ બન્ને નબળાં પડ્યાં છે. બીજી બાજુ પુરાવા કહે છે કે અતિશય ડિજિટલ સંપર્કથી ખાસ કરીને કિશોરોમાં ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, અનિદ્રા, આક્રમકતા અને આગળ વધીને આત્મહત્યાની પ્રવૃત્તિ પણ વધે છે. બાળકોના વેલ-બીઇંગના મામલામાં જનરેટિવ AI તકો અને જોખમો બન્ને વધારે છે. સંબંધો અને સેલ્ફ-કન્ટ્રોલની વાત કરીએ તો લાંબા ગાળાનો નેગેટિવ પ્રભાવ શક્ય દેખાય છે. આવા સંયોગોમાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને સતર્કતા સાથેનું વલણ અપનાવાય તો એને ઇનોવેશનનું વિરોધી ન માનવું જોઈએ.
બાળકો અને યુવાનો કુટુંબની કરોડરજ્જુ અને દેશનું ભવિષ્ય ગણાય. તેઓ કોઈ બજારની કૉમોડિટી નથી. કૉસ્મેટિક્સ અને ડ્રગ્સનાં પ્રાણીઓ પર અખતરા કરાય છે ત્યાં સ્પષ્ટ છે કે તેમને મન પ્રોડક્ટ કીમતી છે, પ્રાણી નહીં. આપણી ઊગતી પેઢી કરતાં કોઈ પ્રોડક્ટ મહાન ન હોઈ શકે જેના અખતરા તે યુવાનો પર થાય. 
ટેક્નૉલૉજીનો લાભ મેળવવાની લાયમાં, મનોરંજનની ચળમાં કે જિંદગીને માણી લેવાની ચળવળમાં જોખમો સાથે કૉમ્પ્રોમાઇઝ કરી ન શકાય. બેન્જામિન ફ્રૅન્કલિનનું એક મજેદાર વાક્ય છે : જે શીખતા રહે છે તે બુદ્ધિશાળી છે. 
આ જ વાતને જો જુદી રીતે કહેવી હોય તો કહીશ કે જે ઇચ્છાઓને કાબૂમાં રાખે છે તે શક્તિશાળી છે. આપણે શક્તિશાળી પ્રજા તૈયાર કરવાની છે. દેશની જેમ સમાજવ્યવસ્થાઓની પણ સીમારેખા હોવી જોઈએ જેને ઓળંગી ન શકાય અને દેશની જેમ સમાજની પણ એક ડિફેન્સ સિસ્ટમ હોવી જોઈએ જે બદીઓને સીમા પારથી સામાજિક સ્તરે પ્રવેશતાં રોકી દે. બગીચાના માળી જેવું જતન કરતું પેરન્ટિંગ આજે સીમાડા પર થતા વતનપ્રેમી પૅટ્રોલિંગ જેવી જવાબદાર કાર્યવાહી બની ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK