જાપાનના નાગોયા શહેરમાં 12 માળની ઇમારત પરથી એક યુવક નીચે પડતા રસ્તે જઈ રહેલી 23 વર્ષની યુવતીનું મોત થયું. યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને યુવક કૂદ્યો હતો કે તેને ધક્કો મારવામાં આવ્યો છે તે અંગે તપાસ ચાલી રહી છે.
બારમા માળેથી એક યુવક રસ્તે ચાલતી યુવતી પર પડ્યો; યુવતી મરી ગઈ, યુવક બચી ગયો
રવિવારે સવારે જપાનના નાગોયા શહેરમાં ૧૨ માળના બિલ્ડિંગ પરથી એક યુવક પડી ગયો. યુવક નીચે પડવાથી ૨૩ વર્ષની યુવતીનું મોત થયું હતું. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાતે ૧ વાગ્યે બની હતી. રેસ્ટોરાંમાં કામ કરતી ટોમોકી ઇનાબા નામની એક યુવતી કામ પૂરું કર્યા પછી બીજી દોસ્ત સાથે ચાલતી જઈ રહી હતી એ જ વખતે ૧૨ માળના અપાર્ટમેન્ટ પરથી અચાનક એક યુવક તેના પર પડ્યો. એને કારણે ટોમોકી ચગદાઈ ગઈ અને લોહીલુહાણ થઈ ગઈ. તેના પર પડનારો ૨૯ વર્ષનો યુવાન પણ લોહીથી લથબથ થઈ ગયો હતો. ટોમોકીની બહેનપણીએ તરત જ પોલીસને જાણ કરીને બન્નેને સારવાર માટે હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં. જોકે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે યુવતી મરી ગઈ હતી અને યુવક હજી ગંભીર ઈજાને કારણે કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી.
બારમા માળેથી પડનારો યુવક એ અપાર્ટમેન્ટમાં રહેતો નહોતો અને તેની પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી ન હોવાથી તેણે જાતે કૂદકો માર્યો હતો કે કોઈએ ધક્કો માર્યો હતો એ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી.
