Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બુમરાહ સામેની બહાદુરીએ સૌ કોઈને દીવાના કર્યા સૂર્યવંશીના

બુમરાહ સામેની બહાદુરીએ સૌ કોઈને દીવાના કર્યા સૂર્યવંશીના

Published : 09 April, 2026 03:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીડરતા અને આક્રમકતાનો પરચો આપીને વૈભવે લેજન્ડ બોલર સામે પહેલા જ બૉલમાં ફટકારી સિક્સર : જેમ બને એમ જલદીથી ટીમ ઇન્ડિયામાં સામેલ કરવાની માગણી...

બુમરાહ સામેની બહાદુરીએ સૌ કોઈને દીવાના કર્યા સૂર્યવંશીના

બુમરાહ સામેની બહાદુરીએ સૌ કોઈને દીવાના કર્યા સૂર્યવંશીના


૩૨ વર્ષના જસપ્રીત બુમરાહ અને ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીની ટક્કરની છેલ્લા થોડાક દિવસથી ચર્ચા થઈ રહી હતી અને સૌ એ માણવા મંગળવારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે પહેલાં વરસાદે તેમને નિરાશ કર્યા, પણ આખરે મૅચ શરૂ થતાં બીજી જ ઓવરમાં બન્ને આમનેસામને આવી ગયા. જે બોલર સામે ભલભલા દિગ્ગજ બૅટરો સિંગલ રન લઈને સામા છેડે જવાનું પસંદ કરતા હોય છે ત્યારે વૈભવ સૂર્યવંશીએ પહેલા જ બૉલમાં સિક્સર ફટકારીને સૌને રોમાંચિત કરી દીધા હતા. બે બૉલ બાદ વધુ એક સિક્સરે તો બધાને ચોંકાવી દીધા હતા. બુમરાહ સામે પાંચ બૉલમાં તેણે બે સિક્સર સાથે ૧૩ રન બનાવ્યા હતા. આ બે સિક્સરે દિગ્ગજોને સૂર્યવંશીના દીવાના કરી દીધા હતા. તેમણે તેનાં ભરપેટ વખાણ કર્યાં હતાં અને જેમ બને એમ જલદી તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવાની માગણી કરી હતી.

ડરશો તો ભૂલ કરશો: ડેલ સ્ટેન
ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન પેસ બોલર ડેલ સ્ટેને કહ્યું હતું કે ‘સૂર્યવંશીએ ટૂંક સમયમાં જ બોલરોમાં એવો ભય પેદા કરી દીધો છે કે બુમરાહ જેવા બોલર પણ ભૂલ કરી બેસે છે. ઈમાનદારીપૂર્વક કહું તો તેણે બોલરોના મનમાં એવો ડર જન્માવી દીધો છે કે જો પોતે કંઈ ભૂલ કરશે તો તે બાઉન્ડરી ફટકારશે. આ ડરને લીધે જ બુમરાહ જેવો બોલર પણ ભૂલ કરી બેસે છે. બુમરાહે એ બૉલ સ્લૉટમાં ફેંક્યો હતો. એવું તે ભાગ્યે જ કરતો હોય છે. મને લાગે છે કે તમે વારંવાર મનમાં ડર સાથે આવું જ વિચારશો તો ભૂલો કરશો જ. તમે જોયું હશે કે સિક્સર ફટકારવા છતાં બુમરાહના ચહેરા પર હાસ્ય હતું, કેમ કે તેને ખબર હતી પોતે કંઈ ભૂલ કરશે તો તે ફટકારશે, અને એવું જ થયું. બુમરાહ હોય કે કોઈ પણ, આ છોકરો કોઈનાથી ગભરાતો નથી.`

નીડરતા અને તેના શૉટ્સ શાનદાર: હાર્દિક પંડ્યા
મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ મૅચ પછી સૂર્યવંશીની પીઠ થાબડી હતી અને એ દૃશ્ય સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયું હતું. હાર્દિકે તેના વિશે કહ્યું હતું કે ‘૧૫ વર્ષનો છોકરો જે રીતે રમી રહ્યો છે એ જોવું રોચક છે. મૅચ પહેલાં પણ આ વિશે ઘણી ચર્ચા-વિચારણા કરી હતી. તે જે રીતે બૅટિંગ કરે છે, તેની નીડરતા અને શૉર્ટ્સ રમવાની ક્ષમતા શાનદાર છે. હું તેના ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું.’

તેને વધુ રાહ ન જોવડાવતા: ઇરફાન પઠાણ
ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે તેની યુટ્યુબ ચૅનલ પર સૂર્યવંશીને 
એક ભાગ્યશાળી બાળક ગણાવીને કહ્યું હતું કે તેણે બુમરાહ જેવા લેજન્ડ બોલરને પણ વિચારતો કરી દીધો હતો. સૂર્યવંશીને જેમ બને એમ જલદી ટીમ ઇન્ડિયામાં સામેલ કરવાની વિનંતી કરતાં ઇરફાને કહ્યું હતું કે ‘૧૫ વર્ષની ઉમંરે આ બાળક વાઇટ બૉલ ક્રિકેટમાં જે કરી રહ્યો છે એવું અમે કોઈએ ક્યારેય જોયું નથી. આ બાળકને વધુ રાહ ન જોવડાવતા.’

બૉલને જુએ છે, બોલરને નહીં: હરભજન સિંહ
હરભજન સિંહે કૉમેન્ટરી આપતાં-આપતાં ઊભા થઈને સૂર્યવંશીને સલામ કરી હતી અને કહ્યું હતું કે આ બાળકે બતાવી દીધું છે કે તે બૉલને જોઈને રમે છે, નહીં કે બોલરને.’

પ્રેશર હળવું કરી નાખ્યું: યશસ્વી જાયસવાલ
સામા છેડે સૂર્યવંશીને રમતો જોનારો અને મંગળવારની રાજસ્થાનની જીતના હીરો યશસ્વી જાયસવાલે પણ તેનાં ભરપેટ વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે ‘તેણે બુમરાહને ફટકારીને અમારું પ્રેશર હળવું કરી નાખ્યું હતું. બુમરાહભાઈ એક લેજન્ડ છે અને તેની સામે આવા શૉર્ટ રમવા એ ખૂબ જ અદ્ભુત છે.’

જાયસવાલ-સૂર્યવંશીના ફાસ્ટેસ્ટ ૫૦૦
મંગળવારે પાંચ ઓવરમાં ૮૦ રનની પાર્ટનરશિપ સાથે યશસ્વી જાયસવાલ અને વૈભવ સૂર્યવંશીની જોડીએ IPLમાં માત્ર ૨૮૪ બૉલમાં ફાસ્ટેસ્ટ ૫૦૦ રનનો રેકૉર્ડ તેમના નામે કરી લીધો હતો. આ પહેલાં આ રેકૉર્ડ ૩૦૮ બૉલનો વીરેન્દર સેહવાગ અને ગૌતમ ગંભીરના નામે હતો.

સૂર્યવંશીએ રિષભ પંત-ઈશાન કિશનને પાછળ પાડ્યા
મંગળવારની પાંચ સિક્સર સાથે IPLમાં સૂર્યવંશીની કુલ ૩૫ સિક્સર થઈ ગઈ હતી. ૨૦ કે એનાથી ઓછી ઉંમરના બૅટરોમાં હવે આ સિક્સર હાઇએસ્ટ બની ગઈ છે. તેણે અત્યાર સુધીનો ઈશાન કિશન અને રિષભ પંતની ૩૦ સિક્સરનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK