હૅરી બ્રૂક અને જો રૂટની અણનમ ૭૦+ રનની ઇનિંગ્સના આધારે અંગ્રેજ ટીમે ૩ વિકેટે ૨૧૧ રન કર્યા
ખરાબ પ્રકાશ અને વરસાદના વિક્ષેપ વચ્ચે બન્ને ટીમના પ્લેયર્સે મેદાનની બહાર જવા મજબૂર થવું પડ્યું હતું
ઍશિઝ ટેસ્ટ-સિરીઝની અંતિમ મૅચનો પ્રારંભ ખરાબ પ્રકાશ અને વરસાદના વિક્ષેપ વચ્ચે થયો હતો. આ વિઘ્નોને કારણે સિડનીમાં આયોજિત પાંચમી મૅચના પહેલા દિવસે ૯૦માંથી માત્ર ૪૫ ઓવરની જ રમત રમાઈ હતી. ઑસ્ટ્રેલિયા સામે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરનાર ઇંગ્લૅન્ડે પહેલા દિવસે બે વ્યક્તિગત હાફ-સેન્ચુરીના આધારે ૨૧૧ રન કર્યા હતા. ખરાબ પ્રકાશ અને વરસાદને કારણે ત્રીજા સેશનની રમત થઈ શકી નહોતી.
બૅન ડકેટ ૨૪ બૉલમાં ૨૭ રન કરીને મિચલ સ્ટાર્કનો, ઝૅક ક્રૉલી ૧૬ બૉલમાં ૨૯ રન કરીને માઇકલ નેસરનો અને જેકબ બેથલ ૨૩ બૉલમાં ૧૦ રન કરીને સ્કૉટ બૉલૅન્ડનો શિકાર બન્યો હતો. ચોથા ક્રમે રમીને જો રૂટે ૧૦૩ બૉલમાં ૮ ફોરના આધારે ૭૨ રન કર્યા હતા જ્યારે હૅરી બ્રૂકે પાંચમા ક્રમે રમીને ૬ ફોર અને ૧ સિક્સર ફટકારીને ૯૨ બૉલમાં ૭૮ રન કર્યા હતા. આજે બીજા દિવસે બન્ને સ્ટાર પ્લેયર્સ પોતાની ૧૫૪ રનની ભાગીદારીને આગળ વધારશે.
ADVERTISEMENT

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની ઉપર જોવા મળ્યાં કાળાંદિબાંગ વાદળ
300
મિચલ સ્ટાર્ક આટલી ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ઑસ્ટ્રેલિયાનો ૧૪મો પ્લેયર બન્યો.
૧૩૮ વર્ષ બાદ સિડનીમાં બની આ ઘટના
યજમાન ઑસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટ-મૅચમાં એક પણ સ્પિન સ્પેશ્યલિસ્ટ બોલરને સ્થાન આપ્યું નહોતું. સિડનીમાં ૧૩૮ વર્ષ બાદ કાંગારૂ ટીમ સ્પેશ્યલિસ્ટ સ્પિનર વગર ઊતર્યું હતું. છેલ્લે ૧૮૮૮ના ફેબ્રુઆરી મહિનામાં ઑસ્ટ્રેલિયા સ્પિનર વિના રમ્યું હતું. એ મૅચમાં ઇંગ્લૅન્ડને ૧૨૬ રને જીત મળી હતી. વર્તમાન ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં યજમાન ટીમ માત્ર પર્થ અને ઍડીલેડમાં જ સ્પિન સ્પેશ્યલિસ્ટ નૅથન લાયન સાથે રમવા ઊતરી હતી.
સિડની ટેસ્ટ-મૅચના પહેલા દિવસે બૉન્ડી-બીચ હુમલાના બહાદુરોને ગાર્ડ આૅફ આૅનર મળ્યું

રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચમી અને અંતિમ ઍશિઝ ટેસ્ટ-મૅચ પહેલાં બૉન્ડી આતંકવાદી હુમલામાં ગજબની હિંમત બતાવી મોટી જાનહાનિ ટાળનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર હજારો ફૅન્સ સહિત ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ આ બહાદુરોને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું.


