ટૉસ દરમ્યાન બન્ને ટીમના કૅપ્ટન્સે અને મૅચ બાદ બન્ને ટીમના પ્લેયર્સે અમ્પાયર્સ સાથે હાથ મિલાવ્યા નહોતા. પાકિસ્તાનના નૅશનલ ઍન્થમને બદલે શરૂઆતમાં ‘જલેબી બેબી’ સૉન્ગ શરૂ થઈ ગયું હતું. દુબઈ પોલીસે સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુ લાવવા પર ૧૨ લાખ દંડ કર્યો.
વિકેટ બાદ ભારતીય ક્રિકેટ ટીમે ઉજવણી કરી હતી (તસવીર: મિડ-ડે)
એશિયા કપ 2025 માં બહુ ચર્ચિત ભારત અને પાકિસ્તાનની મૅચ પૂર્ણ થઈ અને જેમાં ભારતે જીત મેળવી હતી. રવિવાર, 14 સપ્ટેમ્બરના રોજ, ભારતીય ટીમે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકતરફી મૅચમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતે આખી મૅચમાં પ્રભુત્વ મેળવી રાખ્યું જ હતું. આખી મૅચમાં પાકિસ્તાનની ટીમની પકડ ક્યાંય જોવા મળી નહીં. હવે ગ્રુપ A માં, ભારત 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. પાકિસ્તાન 2 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. જોકે, સુપર 4 સુધીનો રસ્તો હવે પાકિસ્તાન માટે થોડો મુશ્કેલ બની ગયો છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે હવે પાકિસ્તાનને આ ટુર્નામેન્ટમાં પોતાને ટકાવી રાખવા માટે શું કેટલી મૅચ જીતવી પડશે.
પાકિસ્તાને કોઈપણ કિંમતે UAE ને હરાવવું પડશે
ADVERTISEMENT
જો પાકિસ્તાને સુપર 4 માટે ક્વોલિફાય કરવું હોય, તો તેણે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મૅચમાં UAE ને કોઈપણ કિંમતે હરાવવું પડશે. આ ઉપરાંત, તેઓ એવી પણ આશા રાખવી પડશે કે UAE ઓમાન સામે હારનો સામનો કરે. જો UAE તેની આગામી બન્ને મૅચમાં ઓમાન અને પાકિસ્તાનને હરાવે છે, તો તેઓ તેમના 4 પોઈન્ટ સાથે પાકિસ્તાન ટીમથી આગળ નીકળી જશે. આ સાથે, પાકિસ્તાન સુપર 4 ની રેસમાંથી પણ બહાર થઈ જશે અને પાકિસ્તાન સુપર 4 માટે ક્વોલિફાય થઈ શકશે નહીં. જેથી જો પાકિસ્તાન UAEને હરાવે પણ છે તો તેણે ઓમાન સામે હાથ જોડવા પડશે કે તેઓ પણ UAEને હરાવે.
ભારત-પાકિસ્તાન મૅચ આ રીતે રહી
પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગાએ ટૉસ જીતીને ભારત સામે પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાનની બૅટિંગ ખૂબ જ નબળી હતી. તેઓ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 127 રન બનાવી શક્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી અને તેને જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ સાથ આપ્યો હતો. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તી બન્નેએ 1-1 વિકેટ લીધી. ભારતીય ટીમે 128 રનના લક્ષ્યનો પીછો માત્ર 15.5 ઓવરમાં કર્યો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બૉલમાં 47 રન બનાવીને અણનમ પરત ફર્યો, તો તિલક વર્મા અને અભિષેક શર્માએ 31-31 રન બનાવ્યા. શુભમન ગિલ 10 રન બનાવીને આઉટ થયા જ્યારે શિવમ દુબે 10 રન બનાવીને અણનમ પરત ફર્યો. પાકિસ્તાન તરફથી સેમ અયુબે 3 વિકેટ લીધી, જોકે ભારતે તેને જીતી લીધી હતી.
આ રસપ્રદ વાતો પણ જાણવા જેવી
ટૉસ દરમ્યાન બન્ને ટીમના કૅપ્ટન્સે અને મૅચ બાદ બન્ને ટીમના પ્લેયર્સે અમ્પાયર્સ સાથે હાથ મિલાવ્યા નહોતા. પાકિસ્તાનના નૅશનલ ઍન્થમને બદલે શરૂઆતમાં ‘જલેબી બેબી’ સૉન્ગ શરૂ થઈ ગયું હતું. મૅચ પહેલાં દુબઈ પોલીસે સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુ લાવવા પર ૧૨ લાખ રૂપિયા અને લડાઈ-ઝઘડા, અપશબ્દો બોલવા બદલ બેથી સાત લાખ રૂપિયાના દંડની જાહેરાત કરી હતી.

