ઑસ્ટ્રેલિયાના ૪૧૦ રનના ટાર્ગેટ સામે ભારત ૨૨૪ રને ઑલઆઉટ થઈને ૧૮૫ રને હાર્યું, ઍલિસા હીલીએ પોતાની અંતિમ વન-ડેમાં તાબડતોડ ૧૫૮ રન ફટકાર્યા
અંતિમ વન-ડે મૅચ રમવા ઊતરેલી ઍલિસા હીલીને ગાર્ડ ઑફ ઓનર આપ્યું હતું હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ.
ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન બન્યા બાદ હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીને પોતાની પહેલી જ વન-ડે સિરીઝમાં ઑસ્ટ્રેલિયા સામે ૦-૩થી ભૂંડી હાર અને ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. હૉબાર્ટમાં ગઈ કાલે ત્રીજી વન-ડેમાં યજમાન ટીમે બેથ મૂનીના અણનમ ૧૦૬ રન અને કૅપ્ટન ઍલિસા હીલીના ૧૫૮ રનના આધારે ૭ વિકેટે ૪૦૯ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૪૫.૧ ઓવરમાં ૨૨૪ રને ઑલઆઉટ થઈને ૧૮૫ રને હારી હતી. અગાઉ ભારતે ૨-૧થી કાંગારૂઓ સામે T20 સિરીઝ જીતી હતી.
કૅપ્ટન ઍલિસા હીલીએ ઓપનર તરીકે રમીને ૯૮ બૉલમાં ૨૭ ફોર અને બે સિક્સના આધારે ૧૫૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ૩૫ વર્ષની ઍલિસા હીલી ગઈ કાલે કાંગારૂઓ માટે વન-ડે ફૉર્મેટની અંતિમ મૅચ રમવા ઊતરી હતી. પોતાની ૧૫ વર્ષની ક્રિકેટ-કરીઅરમાં તે પહેલી વખત સ્પિન બોલિંગ કરવા ઊતરી હતી અને ૧૨ બૉલમાં ૧૨ રન આપીને વિકેટલેસ રહી હતી. ૬ માર્ચથી પર્થમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ-મૅચ તે ઑસ્ટ્રેલિયા માટે છેલ્લી વખત રમવા ઊતરશે.
