સેન્ચુરિયન કૅમરન ગ્રીને ઇનિંગ્સની હારની નામોશીથી ટીમને ઉગારી : મહમૂદ હસન પ્લૅયર ઑફ ધ મૅચ
ઐતિહાસિક જીત બાદ સેલિબ્રેટ કરી રહેલી બંગલાદેશની ટીમ.
ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ બંગલાદેશે ૯ વિકેટથી જીતીને તેમના ક્રિકેટ-ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી. હાલમાં ટેસ્ટમાં વર્લ્ડ રૅન્કિંગમાં નંબર વન અને ઓવર-કૉન્ફિડન્ટ ઑસ્ટ્રેલિયા માટે આ પરાજય એક મોટા ઝટકા સમાન હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૨૮ રનથી પાછળ પડ્યા બાદ બીજી ઇનિંગ્સમાં ગઈ કાલે ૪ વિકેટે ૧૬૧ રનથી આગળ રમતા ઑસ્ટ્રેલિયાને એક ઇનિંગ્સની હારની નામોશીથી કૅમરન ગ્રીનની સેન્ચુરીએ (૨૦૧ બૉલમાં એક સિક્સર અને ૪ ફોર સાથે ૧૦૪ રન) બચાવ્યા હતા. આખરે તેઓ ૨૮૪ રનમાં ઑલઆઉટ થઈ જતાં બંગલાદેશને ઇતિહાસ રચવા ૫૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેમણે ૧૪.૨ ઓવરમાં એક વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. પહેલી ઇનિંગ્સનો સેન્ચુરિયન તન્ઝિદ હસન ખાતું ખોલાવ્યા વિના જ બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો.
પહેલી ઇનિંગ્સમાં ૫૫ રનમાં ૬ અને બીજીમાં ૫૬ રનમાં ૩ વિકેટ લેનાર યુવા પેસ બોલર મહમૂદ હસન આ કમાલની જીતમાં પ્લૅયર ઑફ ધ મૅચ બન્યો હતો.
કાંગારૂ ધરતી પર પહેલી ટેસ્ટ-જીત
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયા બધા જ સ્ટાર ખેલાડીઓ સાથે બંગલાદેશ સામે મેદાનમાં ઊતર્યું હતું, તેમ છતાં તેમના આ હાલ થતાં બધા ચોંકી ગયા છે. ૨૩ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ રમી રહેલા બંગલાદેશે કાંગારૂઓને પરચો બતાવ્યો છે. ઑસ્ટ્રેલિયા સામે સાત મૅચમાં પાંચ હાર સામે આ તેમનો બીજો જ વિજય હતો. આ પહેલાંની જીત તેમણે ૨૦૧૭માં ઘરઆંગણે મેળવી હતી. મીરપુરની એ ટક્કરમાં બંગલાદેશે પહેલી વાર ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને ૨૦ રનથી પરાજિત કર્યું હતું. ઑસ્ટ્રેલિયન ધરતી પર આ ટેસ્ટ-મૅચમાં બંગલાદેશની આ પહેલી જ જીત છે.
મેહદીની મહેનત રંગ લાવી
બંગલાદેશની આ લૅન્ડમાર્ક જીતમાં યુવા પેસ બોલર હસન મહમૂદ અને ઓપનર તન્ઝિદ હસન ઉપરાંત મેહદી હસન મિરાઝનો પણ મોટો ફાળો હતો. પહેલી ઇનિંગ્સમાં પેસ બોલરોના તરખાટને લીધે મેહદીએ ચાર જ ઓવર ફેંકી હતી અને કોઈ વિકેટ નહોતો લઈ શક્યો, પણ બીજી ઇનિંગ્સમાં ૩૩.૧ ઓવરમાં ૬૬ રનમાં પાંચ વિકેટ સાથે તેણે ઑસ્ટ્રેલિયાના કમબૅક કરવાના કૉન્ફિડન્સને તોડી નાખ્યો હતો. આ ઉપરાંત પહેલી ઇનિંગ્સમાં ૧૫૪ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૬૫ રનની કાંગારૂઓને થકવી નાખનારી તેની ઇનિંગ્સને લીધે જ બંગલાદેશ ૨૨૮ જેવી મસમોટી લીડ લઈ શક્યું હતું.
હારથી હતાશ કૅપ્ટન પૅટ કમિન્સે આ કારમા પરાજયનું મુખ્ય કારણ પ્રથમ દિવસે ટીમ ૧૯૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ એને ગણાવ્યું હતું.
પેસ બોલરોના દમ પર પરાક્રમ
જીતથી જોશમાં આવી ગયેલા બંગલાદેશના કૅપ્ટન નજમલ હોસૈન શાન્તોએ આ જીત ઉપરાંત તાજેતરમાં ટીમના ટેસ્ટ-ક્રિકેટમાં શાનદાર પર્ફોર્મન્સ માટે ટીમના વર્લ્ડ ક્લાસ પેસ બોલરોને ક્રેડિટ આપી હતી. તેણે કહ્યું હતું કે ‘અમે ખૂબ જ મહેનત કરી હતી. સ્પિન પર જ દારોમદાર રાખવાને બદલે ફાસ્ટ બોલરોને તૈયાર કર્યા અને તેમણે ટેસ્ટ-ક્રિકેટમાં ટીમનું ભવિષ્ય બદલી નાખ્યું છે. પાંચેક વર્ષ પહેલાં કોઈ ફાસ્ટ બોલર ટેસ્ટ-ક્રિકેટ રમવા તૈયાર જ નહોતો. અમે સિનિયર ખેલાડીઓની મદદથી એમની માનસિકતામાં બદલાવ લાવ્યા અને આજે તેઓ વધુ ને વધુ ટેસ્ટ-મૅચ રમીને વર્લ્ડ ક્લાસ બોલર બનવા તત્પર છે.’
ઘરાઆંગણે પાકિસ્તાનનો ૨-૦થી વાઇટવૉશ કર્યા બાદ ગઈ કાલની જીત સાથે બંગલાદેશે સતત ત્રીજી ટેસ્ટ-મૅચમાં જીત મેળવી છે. આ સાથે એક સમયે ટેસ્ટમાં નબળા ગણાતા બંગલાદેશે બધાને ચેતવણી આપી દીધી છે.
હવે બીજી અને છેલ્લી ટેસ્ટ શનિવારથી શરૂ થશે. આ હારને ભૂલીને સિરીઝની હારની મોટી નામોશી ટાળવા ઑસ્ટ્રેલિયાએ કમર કસવી પડશે.
ઑસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ-જીત, એશિયનોમાં ફાસ્ટેસ્ટ
બંગલાદેશે ઑસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ-જીત માત્ર ત્રીજી જ મૅચ રમતાં મેળવી હતી. આ મામલે એણે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાને પાછળ છોડી દીધા છે. ઑસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ-વિજય માટે ભારતે ૧૨ અને પાકિસ્તાને ૭ મૅચ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. શ્રીલંકા ૧૫ ટેસ્ટ મૅચ રમવા છતાં હજુ સુધી જીતનું ખોલી નથી શક્યું. એશિયન ટીમો સામે ઑસ્ટ્રેલિયાનો હંમેશાં દબદબો રહ્યો છે. ૩૧ વર્ષ બાદ પહેલી વાર ઑસ્ટ્રેલિયાએ ભારતને બાદ કરતાં કોઈ એશિયાની ટીમ સામે ટેસ્ટ-મૅચ ગુમાવી છે.
ઓવરઑલ સાઉથ આફ્રિકા સાથે સંયુક્ત રીતે બંગલાદેશની આ સેકન્ડ ફાસ્ટેસ્ટ જીત બની ગઈ છે. ઇંગ્લૅન્ડે સૌથી ઝડપી બીજી જ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને એના જ ઘરઆંગણે હરાવી દીધું હતું.
બંગલાદેશે ચોથું સ્થાન મજબૂત કર્યું
આ જીત સાથે બંગલાદેશે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલ પરનું એનું ચોથું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. બંગલાદેશ કરતાં ભારત નીચે પાંચમા નંબરે છે. બંગલાદેશે પાંચ ટેસ્ટમાંથી ત્રણમાં જીત, એકમાં હાર જોઈ છે અને એક ડ્રૉ રહી છે. ઑસ્ટ્રેલિયાના પૉઇન્ટ ઘટી ગયા છે પણ એ હજુ પણ નંબર વન જ છે અને ભારત પાંચમા ક્રમાંકે છે. શ્રીલંકા છઠ્ઠા અને પાકિસ્તાન આઠમા ક્રમાંકે છે. આમ એશિયન દેશોમાં એ બધા કરતાં આગળ છે.
